ઇસ્લામાબાદ : પાકિસ્તાને મંગળવારે પોતાના દેશમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ના પ્રસારણ પર પ્રતિબંધ મુકતા આરોપ મુક્યો હતો કે પાકિસ્તાનમાં રમતને નુકસાન પહોંચાડવા માટે ભારતે સંગઠિત પ્રયાસો કર્યા છે. માહિતી પ્રસારણ મંત્રી ફવદ ચૌધરીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન ઇમરાન ખાનની આગેવાનીમાં મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો હતો.
ઇમરાન ખાન પાકિસ્તાનની ક્રિકેટ ટીમનો માજી કેપ્ટન પણ છે. તેમણે કહ્યું હતું કે આ પગલું એટલા માટે ભરાયું છે કે ભારત પાકિસ્તાન ક્રિકેટને નુકસાન કરવામાં કોઇ તક છોડતું નથી. ચૌધરીએ કહ્યું હતું કે ભારતે પાકિસ્તાનમાં ક્રિકેટને નુકસાન કરવા સંગઠિત પ્રયાસ કરે છે અને આપણે ત્યાં ભારતની ડોમેસ્ટિક ટુર્નામેન્ટનો પ્રચાર કરવાને મંજરી આપવાનો કોઇ મતલબ નથી.
તેમણે સાથે જ કહ્યું હતું કે પાકિસ્તાનમાં લીગ અને ક્રિકેટને નુકસાન પહોંચાડવામાં ભારતીય સત્તાવાર પ્રસારણકર્તા પુલવામા હુમલા પછી પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ)ની 4થી સિઝનના પ્રસારણમાંથી ચાલુ ટુર્નામેન્ટે ખસી ગયા હતા. ફેબ્રુઆરીમાં પીએસએલના સત્તાવાર પ્રસારણકર્તા ડીસ્પોર્ટે પુલવામા હુમલાના વિરોધમાં ટૂર્નામેન્ટનું કવરેજ અટકાવી દીધું હતું. આ ઘટના પછી બંને દેશ વચ્ચે તંગદીલી વધી ગઇ હતી. ભારતીય કંપની આઇએમજી રિલાયન્સે પણ પીએસએલના વૈશ્વિક ટેલિવિઝન કવરેજમાંથી હાથ પાછા ખેંચી લીધા હતા.