આજે અહી રમાયેલી રાઉન્ડ રોબિન મેચમાં મુસ્તફિઝુર રહેમાનના પંજામાં સપડાઇને પાકિસ્તાન ઇમામ ઉલ હકની સદી અને બાબર આઝમની 96 તેમજ ઇમાદ વસીમની 43 રનની ઇનિંગ છતાં 9 વિકેટે 315 રન સુધી જ પહોંચી હતી, તે પછી શાહિન શાહ આફ્રિદીઍ જોરદાર બોલિંગ કરીને 6 વિકેટ ઉપાડવા સાથે બાંગ્લાદેશ 44.1 ઓવરમાં 221 રને ઓલઆઉટ થઇ જતાં પાકિસ્તાન 94 રને મેચ જીત્યું હતું પણ ન્યુઝીલેન્ડની સામે સેમી ફાઇનલની રેસ તે હાર્યુ હતું.
બાંગ્લાદેશ વતી શાકિબે વધુ ઍક અર્ધસદી ફટકારી હતી તે 64 રન કરીને આઉટ થયો હતો અને તેની સાથે તે સર્વાધિક રન કરનારાઓની યાદીમાં 606 રન કરીને રોહિતને ઓવરટેક કરીને પહેલા ક્રમે બેઠો હતો. તેના સિવાય કોઇ બેટ્સમેન મોટી ઇનિંગ રમી શક્યો નહોતો. શાહિનની 6 ઉપરાંત શાદાબે 2 જ્યારે આમિર અને વહાબે 1-1 વિકેટ ઉપાડી હતી.
પાકિસ્તાને ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધા પછી ફખર ઝમાન અને ઇમામ તેમના માટે જરૂરી શરૂઆત અપાવી શક્યા નહોતા. ફખર 31 બોલમાં 13 રનની ઇનિંગ રમીને આઉટ થયો તે પછી ઇમામ સાથે જોડાયેલા બાબર આઝમે ઝડપી બેટિંગ કરી હતી. બંનેઍ 157 રનની ભાગીદારી કરી પણ બાબર 96 રન કરીને આઉટ થયો તે પછી ઇમામે સદી પુરી કરી અને તરત જ આઉટ થયો હતો. મહંમદ હાફિઝ 27 અને હેરિસ સૌહેલ પણ 6 રન કરીને આઉટ થયા અને અંતે ઈમાદ વાસીમે 26 બોલમાં 43 રનની ઇનિંગ રમી પાકિસ્તાનને 315 રન સુધી પહોંચાડ્યું હતું.