T૨૦ સિરીઝમાં ભારતની જીતને કારણે ન્યૂઝીલેન્ડની ટીમને રેકિંગમાં મોટું નુકસાન થયું છે. પરંતુ સૌથી મોટો ફાયદો ભારતના કટ્ટર હરીફ પાકિસ્તાનની ટીમને થયો છે. ભારત ટી20 સીરીઝ જીતતાની સાથે જ પાકિસ્તાન ટી૨૦ રેન્કિંગમાં નંબર વન પર પહોચી ગયું છે. ટી20 રેકિંગમાં ૧૨૪ પોઇન્ટ સાથે પાકિસ્તાન ટીમ પહેલા સ્થાને છે અને બીજા સ્થાને રહેલી ટીમો કરતાં ચાર પોઇન્ટનો તફાવત છે. પાક્સ્તિાને ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની સિરીઝ અગાઉ શ્રીલંકાને ૩-૦થી કારમો પરાજય આપતાં તેના ૧૨૪ પોઇન્ટ થયા હતા. તે પછી ભારત સામે ૧-૨થી સિરીઝ ગુમાવતાં ન્યૂઝીલેન્ડને પાંચ પોઇન્ટનું નુકસાન થયું હતું જેને કારણે નંબર વનનું સ્થાન ગુમાવવાનો વારો આવ્યો છે.
ભારતીય ટીમે સિરીઝ જીતતાં ત્રણ પોઇન્ટનો ફાયદો થયો છે છતાં પાંચમા સ્થાને યથાવત્ છે. જોકે, ચોથા નંબરે રહેલી ઇંગ્લેન્ડની ટીમ અને ભારતના ૧૧૯-૧૧૯ પોઇન્ટ થઈ ગયા છે. હવે ભારતીય ટીમ શ્રીલંકા સામે યોજાનારી સિરીઝમાં ક્લીન સ્વીપ કરે તો ટોપ-થ્રીમાં પહોંચી શકે છે કારણ કે, બીજા, ત્રીજા, ચોથા અને પાંચમા નંબરની ટીમ વચ્ચે માત્ર એક પોઇન્ટનું અંતર છે. બીજા નંબરની ટીમ ન્યૂઝીલેન્ડ છે અને વર્લ્ડ ચેમ્પિયન વેસ્ટ ઇન્ડીઝ ત્રીજા સ્થાને છે. બંનેના ૧૨૦-૧૨૦ પોઇન્ટ છે. ન્યૂઝીલેન્ડની ટીમ ભારતપ્રવાસે આવી તે પહેલાં નંબર વન ટીમ હતી પરંતુ અહીં બે મેચ ગુમાવતાં તે બીજા સ્થાને ધકેલાઈ ગઈ છે. આ બંનેથી ભારત અને ઇંગ્લેન્ડ એક પોઇન્ટ પાછળ છે. આથી હવે ચાર ટીમો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે. છઠ્ઠા નંબરે રહેલી સાઉથ આફ્રિકાની ટીમના ૧૧૨ પોઇન્ટ છે. વન-ડે ક્રિકેટની વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાની ટીમ ટી૨૦ રેન્કિંગમાં સાતમા ક્રમે છે. તેના ૧૧૧ પોઇન્ટ છે. શ્રીલંકા ૯૧ પોઇન્ટ સાથે આઠમા ક્રમે જ્યારે અફઘાનિસ્તાન ૮૬ પોઇન્ટ સાથે નવમા ક્રમે છે અને બાંગ્લાદેશની ટીમ ૭૬ પોઇન્ટ સાથે ૧૦મા સ્થાને છે.
ICC T20 રેકિંગ
ક્રમ દેશ પોઇન્ટ
1 પાકિસ્તન 124
2 ન્યુઝીલેન્ડ 120
3 વેસ્ટ ઇન્ડિઝ 120
4 ઇંગ્લેન્ડ 119
5 ભારત 119
6 સાઉથ આફ્રિકા 112
7 ઓસ્ટ્રેલિયા 111
8 શ્રીલંકા 91
9 અફઘાનીસ્તાન 86
10 બાંગ્લાદેશ 76