1992ની વર્લ્ડકપ ચેમ્પિયન પાકિસ્તાનની ટીમ આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપમાં આજે બાંગ્લાદેશ સામે મેદાનમાં ઉતરશે ત્યારે તેનો ઇરાદો સેમી ફાઇનલમાં પ્રવેશવા માટે આવી પડેલા અશક્ય ટાસ્કને શક્ય બનાવવાનો હશે. મેચ પહેલા પાકિસ્તાની કેપ્ટન સરફરાઝ અહેમદે પણ એવું કહ્યું છે કે સેમી ફાઇનલમાં પ્રવેશવા માટે અમને કોઇ ચમત્કારની જરૂર છે અને અલ્લાહ ઇચ્છશે તો એ ચમત્કાર થઇને રહેશે.
ન્યુઝીલેન્ડને ઇંગ્લેન્ડે હરાવ્યું તેના કારણે પાકિસ્તાનનો સેમી ફાઇનલ પ્રવેશ મુશ્કેલ બન્યો છે. હવે જો તેણે સેમી ફાઇનલમાં પ્રવેશવું હોય તો પહેલા દાવ લઇને 400 રનનો સ્કોર બનાવવો પડે અને તે પછી બાંગ્લાદેશને 84 રનમાં તેણે આઉટ કરી દેવું પડે. આ સિવાય બીજુ સમીકરણ એ છે કે જો બાંગ્લાદેશ ટોસ જીતી જાય અને પહેલો દાવ લે તો પાકિસ્તાન મેચ રમવા પહેલા જ રેસમાંથી આઉટ થઇ જશે. અને જો તે પહેલો દાવ લે તો તેણે કોઇ પણ ભોગે 316 રને વિજય મેળવવો જ પડશે.
જીતનો જે આ માર્જીન છે તે અત્યાર સુધી વનડેના ઇતિહાસમાં કદી કોઇ ટીમે મેળવ્યો નથી. આ વર્લ્ડ કપમાં પાકિસ્તાનનો અત્યાર સુધીનો પ્રવાસ 1992ના વર્લ્ડ કપ જેવો જ રહ્યો છે, ફરક જો કોઇ હોય તો તે માત્ર એ છે કે તે સમયે પાકિસ્તાનની ટીમ નોકઆઉટ લેવલે પહોંચી ગઇ હતી જ્યારે આ વખતે તેના માટે એ માર્ગ અતિ મુશ્કેલ છે અને શુક્રવારનો જે ટાસ્ક છે તે અશક્ય છે.