મુંબઇ : અહીંનું વાનખેડે સ્ટેડિયમ મુંબઇ ક્રિકેટ એસોસિએશન (MCA)નું ગૌરવ ગણાય છે, પણ હવે એ સ્ટેડિયમ મામલે હવે સંકટના વાદળ ઘેરાયા છે. મહારાષ્ટ્ર સરકારે લીઝના રિન્યુઅલ, બાકી રકમની ચુકવણી અને મંજૂરી વગર કરાયેલા બાંધકામ મામલે MCAને એક નોટિસ ફટકારી છે. 16મી એપ્રિલે મુંબઇ શહેર કલેક્ટર દ્વારા આપવામાં આવેલી આ નોટિસમાં MCA પાસે રૂ. 120 કરોડની માગ કરવામાં આવી છે. નોટિસમાં કહેવાયું છે કે જો MCA આ રકમ નહી ચુકવે તો તેણે આ જગ્યા ખાલી કરી દેવી પડશે.
1975માં રાજકારણી એસ કે વાનખેડેએ આ સ્ટેડિયમ બનાવ્યું હતું. તેમનું એવું કહેવું હતું કે MCA પાસે પોતાનું એક સ્ટેડિયમ હોવું જોઇએ. આ મામલે ક્રિકેટ ક્લબ ઓફ ઇન્ડિયા સાથે પણ વિવાદ થયો હતો. 43,977.93 સ્કવેર મીટરમાં પથરાયેલા વાનખેડે સ્ટેડિયમની ક્ષમતા 33,000 દર્શકની છે. રાજ્ય સરકારે આ જગ્યા MCAને 50 વર્ષની લીઝ પર આપી હતી. જેની મુદત ગત વર્ષે ફેબ્રુઆરીમાં પુરી થઇ છે.
કરાર અનુસાર MCAએ રાજ્ય સરકારને નિર્માણ વિસ્તારનું 1 રૂપિયા પ્રતિ મીટર અને ખાલી વિસ્તારનું 10 પૈસા પ્રતિ મીટરના હિસાબે ભાડું આપવાનું હતું. એમસીએ દ્વારા ક્રિકેટ સેન્ટર બનાવાયા પછી રાજ્ય સરકારે નવા ભાડાનૌો દાવો કરાયો છે. હવે અહી BCCIનું પણ હેડકવાર્ટર છે. નોટિસમાં એ તમામ બાકી રકમની ચુકવણી કરવા જણાવાયું છે, જ્યાં MCAએ બાંધકામ કરાવ્યું છે પણ સમજૂતી અનુસાર ભાડું નથી આપ્યું