ચેન્નઇ : ઇન્ડિયન પ્રીમિયર લીગની ગવર્નિંગ કાઉન્સીલે રાજસ્થાન રોયલ્સના કેપ્ટન અજિંકેય રહાણે પર સ્લો ઓવર રેટ મામલે રૂ. 12 લાખનો દંડ લાગુ કર્યો છે. ચેન્નઇ સુપર કિંગ્સ સામેની અહીં રમાયેલી મેચમાં રાજસ્થાન રોયલ્સના કેપ્ટનને આ દંડ ફટકારાયો હતો. આ પહેલા મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માને પણ મોહાલીમાં રમાયેલી મેચમાં સ્લો ઓવર રેટ મામલે 12 લાખનો દંડ કરાયો હતો.
આઇપીએલ દ્વારા જારી એક પ્રેસ રિલીઝમાં કહેવાયું હતું કે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની આચર સંહિતા હેઠળ સ્લો ઓવર રેટનો રાજસ્થાન રોયલ્સની ટીમનો આ સિઝનમાં પહેલો બનાવ છે, તેથી કેપ્ટન અજિંકેય રહાણે પર આઇપીએલના કોડ ઓફ કન્ડક્ટ હેઠળ રૂ. 12 લાખનો દંડ લાગુ કરવામાં આવે છે. રહાણે આ સિઝનમાં બીજો એવો કેપ્ટન છે જે સ્લો ઓવર રેટના કારણે દંડાયો હોય. આ પહેલા રોહિત શર્મા શનિવારે મોહાલીમાં કિંગ્સ ઇલેવન પંજાબ સામેની મેચમાં આ મુદ્દે દંડાયો હતો.
