જયપુર : રાજસ્થાન રોયલ્સે આજે પોતાના હોંમ ગ્રાઉન્ડ પર જોરદાર પ્રદર્શન કરીને મુંબઇ ઇન્ડિયન્સને પાંચ વિકટે હરાવીને આ સિઝનનો ત્રીજો વિજય મેળવ્યો હતો. રાજસ્થાનના બોલરોએ પહેલા મુંબઇ ઇન્ડિયન્સને 161 રન સુધી સિમિત રાખ્યા પછી મેન ઓફ ધ મેચ કેપ્ટન સ્ટીવ સ્મીથની અર્ધ શતકીય ઇનિંગની મદદથી 19.1 ઓવરમાં 5 વિકેટના ભોગે લક્ષ્યાંક કબજે કરી લઇને મેચ જીતી લીધી હતી. મુંબઇ ઇન્ડિયન્સ સામે રાજસ્થાન રોયલ્સનો આ સતત બીજો વિજય હતો.
આ મેચમાં અજિંકેય રહાણેના સ્થાને સ્ટીવ સ્મીથને નવો કેપ્ટન બનાવાયો હતો અને તેણે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રાજસ્થાને આજની મેચમાં ત્રણ ફેરફાર કરીને જોસ બટલર, ઇશ સોઢી અનેં રાહુલ ત્રિપાઠીના સ્થાને સ્ટીવ સ્મીથ, બેન સ્ટોક્સ અને રિયાન પરાગને ટીમમાં સમાવ્યા હતા. પ્રથમ દાવ લેવા ઉતરેલી મુંબઇ ઇન્ડિન્સની શરૂઆત ખુબ જ ખરાબ રહી હતી અને કેપ્ટન રોહિત શર્મા માત્ર 5 રન કરીને આઉટ થયો હતો. તે પછી ક્વિન્ટોન ડિ કોક અને સૂર્ય કુમાર યાદવે મળીને 97 રનની ભાગીદારી કરી હતી. યાદવ 33 બોલમાં 34 અને ડિ કોક 47 બોલમાં 65 રન કરીને આઉટ થયા તે પછી પોલાર્ડ પણ 7 બોલમાં 10 રન કરીને આઉટ થયો હતો, હાર્દિક પંડ્યાએ ફરી એકવાર 15 બોલમાં 23 રનની ઇનિંગ રમીને મુંબઇને 150 પાર પહોંચાડ્યું હતું અને 20 ઓવરના અંતે મુંબઇએ 5 વિકેટે 161 રન કર્યા હતા.
61 રનના લક્ષ્યાંકના જવાબમાં સંજૂ સેમસન અને અજિંકેય રહાણેએ મળીને 39 રનની ભાગીદારી કરી હતી. તે પછી રહાણે આઉટ થયો અને 8મી ઓવરમાં રાહુલ ચાહરે સંજી સેમસન અને બેન સ્ટોક્સને આઉટ કર્યા હતા. જો કે સ્મીથે એક છેડો સાચવી રાખ્યો અને તે પછી રમતમાં આવેલા રિયાન પરાગ સાથે મળીને તેણે 70 રનની ભાગીદારી કરીને મુંબઇને આ મેચમાંથી આઉટ કરી દીધું હતું. 18મી ઓવરમાં પરાગ 29 બોલમાં 43 રન કરીને આઉટ થયો હતો. તે પછી સ્મીથે સ્ટુઅર્ટ બિન્ની સાથે મળીને પાંચ બોલ બાકી હતા ત્યારે ટીમને જીતાડી હતી. સ્મીથ 48 બોલમાં 59 રન કરીને નોટઆઉટ રહ્યો હતો.