Rohit Sharma: શું સિડની ટેસ્ટ રોહિત શર્માની છેલ્લી ટેસ્ટ હશે?
Rohit Sharma: રોહિત શર્માની ટેસ્ટ કારકિર્દીને લઈને નવા સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા ટૂંક સમયમાં ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જો ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં નહીં પહોંચે તો 3 જાન્યુઆરીથી શરૂ થનારી સિડની ટેસ્ટ તેના કરિયરની છેલ્લી ટેસ્ટ મેચ બની શકે છે.
મેલબોર્ન ટેસ્ટમાં ભારતીય ટીમને 184 રને હારનો સામનો કરવો પડ્યો તે પછી રોહિત શર્માના નિવૃત્તિના સમાચારે જોર પકડ્યું છે. રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે જો ભારત આ ટૂર્નામેન્ટની ફાઈનલમાં જગ્યા ન બનાવી શક્યું તો રોહિત શર્મા સિડની ટેસ્ટ પછી ક્રિકેટને અલવિદા લઈ શકે છે.
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર પોતાના પ્રદર્શનથી સંઘર્ષ કરી રહેલો રોહિત શર્મા આ શ્રેણીમાં ત્રણ મેચમાં માત્ર 31 રન જ બનાવી શક્યો છે અને તેની બેટિંગ એવરેજ માત્ર 6.20 છે. તેની કપ્તાનીમાં મેલબોર્ન ટેસ્ટમાં પણ ભારતીય ટીમ મજબૂત સ્થિતિમાંથી હારી ગઈ હતી. રોહિતનું આ ખરાબ પ્રદર્શન અને ટેસ્ટ ક્રિકેટમાં તેનો સતત સંઘર્ષ તેના નિવૃત્તિના સમાચારને વધુ બળ આપી રહ્યો છે.
રોહિત શર્માની નિવૃત્તિને લઈને બીસીસીઆઈ અને પસંદગીકારો સાથે વાતચીત થઈ રહી છે, પરંતુ રોહિત હજુ પણ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં રમવાની આશા સેવી રહ્યો છે. જો ટીમ ઈન્ડિયા ફાઇનલમાં નહીં પહોંચે તો સિડની ટેસ્ટ તેની છેલ્લી મેચ બની શકે છે.