બેંગલુરૂ : આઇપીઍલની હાલની સિઝનમાં પોતાની શરૂઆતની પાંચેય મેચ ગુમાવી ચુકેલી વિરાટ કોહલીની આગેવાની હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આવતીકાલે જ્યારે અહીં દિલ્હી કેપિટલ્સ સામે મેદાનમાં ઉતરશે ત્યારે તેમની નજર આ સિઝનનો પહેલો વિજય તરફ મંડાયેલી હશે.
બેંગ્લોરની ટીમને આ સિઝનમાં પોતાના પહેલા વિજયનો ઇંતેજાર છે જ્યારે દિલ્હીની ટીમ પાંચ મેચમાંથી બેમાં વિજય સાથે અહીં પહોંચી છે. કેકેઆર સામે શુક્રવારે મળેલા પરાજયને પગલે આરસીબી સામે ટુર્નામેન્ટમાં ટાઇટલની રેસમાં જળવાઇ રહેવાનો મોટો પડકાર છે. તેણે પોતાની આશાઓને જાળવી રાખવા માટે ટુર્નામેન્ટની બાકી બચેલી લગભગ તમામ મેચ જીતવી પડશે.
કેકેઆર સામેની મેચમાં વિરાટ કોહલી અને ઍબી ડિવિલિયર્સે અર્ધસદી ફટકારી તે આરસીબી માટે રાહતની વાત હશે, જા કે બોલિંગ તેમના માટે હજુ કમજાર કડી જ છે. કેકેઆર સામે યજુવેન્દ્ર ચહલ અને પવન નેગી સિવાયના કોઇ બોલર વિકેટ લેવાની તો દૂરની વાત પણ રન રોકવામાં પણ સફળ થયા નહોતા. મેચ પત્યા પછી કોહલીઍ પણ પોતાના બોલરોની ટીકા કરી હતી.
આ તરફ દિલ્હીની સ્થિતિ પણ ઍટલી સારી નથી. મુંબઇ સામે પહેલી મેચ જીત્યા પછી તે ત્રણ મેચ હાર્યુ છે. તેમના માટે રાહતની વાત ઍ છે કે તેમના બેટ્સમેન અને બોલર બધા ફોર્મમાં છે.