બેંગલુરૂ : રાજસ્થાન રોયલ્સ અહીં એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ પર યજમાન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે મંગળવારે રમવા ઉતરશે ત્યારે તેમને આ મેચમાં વિજય સિવાય કંઇ ખપતું નહીં હોય. રાજસ્થાનની ટીમ હાલમાં પોઇન્ટ ટેબલમાં 12 મેચમાંથી 5માં વિજય અને 7માં પરાજય સાથે 10 પોઇન્ટ લઇને 7માં નંબરે છે. જો રાજસ્થાન રોયલ્સ આજની મેચમાં જીતશે તો તે પ્લેઓફની રેસમાં જળવાઇ રહેશે અને જો તેઓ હારશે તો તેઓ અંતિમ 4ની રેસમાંથી આઉટ થઇ જશે.
રાજસ્થાન રોયલ્સનો ઇરાદો છેલ્લી બે મેચથી ચાલી આવતી વિજય કૂચને જાળવી રાખવાનો હશે. તેણે પ્લેઓફમાં પહોંચવા માટે બાકી બચેલી બંને મેચ જીતવાની છે. આજની મેચ પછી કેપ્ટન સ્ટીવ સ્મીથ વનડે વર્લ્ડ કપ માટેની ઓસ્ટ્રેલિયન ટીમના પ્રેક્ટિસ સેશનમાં સામેલ થવા માટે ઓસ્ટ્રેલિયા જવા રવાના થઇ જશે. જતાં પહેલા સ્મીથ આ સિઝનનો અંત પોતાના માટે વિજય સાથે લાવવા ઇચ્છશે. વિરાટ કોહલીની આગેવાની હેઠળની રોયલ ચેલેન્જર્સ આમ તો પ્લેઓફની રેસમાંથી આઉટ થઇ ગઇ છે, પણ તેઓ બાકી બચેલી બે મેચમાં કોઇપણ ટીમનું ગણિત બગાડી શકે છે. કેપ્ટન કોહલી અને એબીડિ વિલિયર્સ પાસે ટીમ સારા પ્રદર્શનની આશા રાખતી હશે, આ બંનેએ અનુક્રમે 423 અને 431 રન બનાવ્યા છે. જ્યારે બોલિંગમાં યજુવેન્દ્ર ચહલે 12 મેચમાં 16 વિકેટ લીધી છે.