સેન્ચુરિયન : શુક્રવારે સેન્ચુરિયનના મેદાન પર રમાયેલી શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી ટી-20માં શ્રીલંકાના બેટ્સમેન ઇસુરૂ ઉડાનાએ આઠમા ક્રમે બેટિંગમાં આવીને 48 બોલમાં 84 રનની તોફાની ઇનિંગ રમી હોવા છતાં દક્ષિણ આફ્રિકાએ આ મેચ 16 રને જીતીને ત્રણ ટી-20 મેચની સિરીઝમાં 2-0ની અજેય સરસાઇ મેળવી લીધી હતી.
ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમે 20 ઓવરમાં 3 વિકેટે 180 રન કર્યા હતા અને તેની આ જીત આમ તો એકતરફી જ રહી હતી પણ ઉડાનાની તોફાની ઇનિંગે શ્રીલંકા માટે થોડી આશા જગાવી હતી. જો કે તે ટીમને વિજય સુધી લઇ જઇ શક્યો નહોતો. દક્ષિણ આફ્રિકા વતી રીઝા હેન્ડ્રીક્સે 65 અને રાસી વોન ડુસેને 64 રનની ઇનિંગ રમી હતી અને તેમના કારણે જ યજમાન ટીમ 3 વિકેટે 180 રન જેવા મજબૂત સ્કોર સુધી પહોંચી શકી હતી.
ઇસુરૂ ઉડાનાએ 48 બોલમાં 84 રન ઝુડીને રચ્યો ઇતિહાસ
વિજય માટેના 181 રનના લક્ષ્યાંક સામે શ્રીલંકાની હાલત ખરાબ થઇ હતી. જ્યારે ઉડાના ક્રિઝ પર આવ્યો ત્યારે શ્રીલંકાનો સ્કોર 10 ઓવરમાં 6 વિકેટે માત્ર 62 રન હતો અને તે હારના આરે પહોંચી ગઇ હતી. જો કે ઉડાનાએ જે રીતે ચોથી વનડેમાં બેટિંગ કરી હતી તેવી જ ધમાલ આ ટી-20માં મચાવી હતી. તેણે પોતાની આ તોફાની ઇનિંગમાં 8 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકારીને 84 રન ઝુડી કાઢ્યા હતા. જો કે તેની આ ઇનિંગ છતાં સામેના છેડેથી વિકેટો પડતી રહેતા તેની નોટઆઉટ ઇનિંગ પર પાણી ફરી વળ્યું હતું અને 20 ઓવરમાં તેઓ 9 વિકેટે 164 રન સુધી જ પહોંચી શક્યા હતા.
ટી-20 ઇન્ટરનેશનલમાં 8માં કે તેનાથી નીચલા ક્રમે બેટિંગ કરીને સર્વોચ્ચ સ્કોર
ખેલાડી દેશ વિરોધી દેશ સ્કોર વર્ષ
ઇસુરૂ ઉડાના શ્રીલંકા દક્ષિણ આફ્રિકા 84* 2019
સિમી સિંહ આયરલેન્ડ નેધરલેન્ડ 57* 2018
રાગહેબ અગા કેન્યા સ્કોટલેન્ડ 52* 2013