માજી દિગ્ગજ ભારતીય બેટ્સમેન સચિન તેંદુલકરનું માનવું છે કે જસપ્રીત બુમરાહની આગેવાની હેઠળનું ભારતીય બોલિંગ આક્રમણ આ સમયનું સૌથી યોગ્ય છે, પણ તેની તુલના 2003 અને 2011ના બોલરો સાથે ન થવી જોઇઍ. તેણે કહ્યું હતું કે આ બોલરોની તુલના આ સમયના બોલરો સાથે જ થવી જોઇઍ.
1992થી લઇને 2011 દરમિયાન 6 વર્લ્ડ કપ રમી ચુકેલા સચિને કપિલ દેવ, જવાગલ શ્રીનાથ અને ઝહીર ખાનની આગેવાની હેઠળના બોલિંગ આક્રમણને નજીકથી જાયું છે. તેણે કહ્યું હતું કે અલગ અલગ સમયના ખેલાડીઓ વચ્ચે સરખામણી ઍક રીતે બેઇમાની છે. તેણે કહ્યું હતું કે મને બે અલગ અલગ સમયના ખેલાડીઓની તુલના પસંદ નથી. જે તે સમયે રમતના નિયમો અલગ હતા અને પીચ પણ આવી નહોતી.
સચિને કહ્યું હતું કે હવે તો બે નવા બોલ હોય છે અને ફિલ્ડીંગ રિસ્ટ્રીક્શન પણ હોય છે, મતલબ કે 11થી 40 ઓવર સુધી 30 મીટરના ઘેરા બહાર ચાર ફિલ્ડર અને અંતિમ 10 ઓવરમાં પાંચ ફિલ્ડર હોય છે. ઍનો મતલબ ઍ છે કે 100 મીટરના દોડવીર હવે નવા નિયમો હેઠળ 90 અથવા 80 મીટર દોડી રહ્યા છે. જો તમે હાલના ભારતીય બોલિંગ આક્રમણની સરખામણી કરવા માગતા હોવ તો આ પેઢીના બોલરો સાથે કરો, આજના સમયમાં આ ઘણું સારું આક્રમણ છે.
તેણે કહ્યું હતું કે હું 2003 અને 2011 વર્લ્ડ કપમાં અમારા બોલરોના પ્રદર્શનની પણ પ્રશંસા કરીશ. 2003માં શ્રીનાથ, ઝહીર, નેહરા અને હરભજન હતા જે અમને ફાઇનલ સુધી લઇ ગયા તો 2011માં ઝહીર, નેહરા, હરભજન, મુનાફ પટેલ અને યુવરાજે ઉમદા બોલિંગ કરી હતી.