દિગ્ગજ ભારતીય ક્રિકેટર અને ક્રિકેટના ભગવાનનું ઉપનામ ધરાવતા સચિન તેંદુલકરને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (આઇસીસી) દ્વારા હોલ ઓફ ફેમમાં સમાવાયો છે. સચિન ઉપરાંત દક્ષિણ આફ્રિકાના લેજન્ડરી ઝડપી બોલર એલન ડોનાલ્ડ તેમજ ઓસ્ટ્રેલિયાની માજી મહિલા ઝડપી બોલર કેથરીન ફિટ્ઝપેટ્રિકને પણ આઇસીસી હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા છે.
લંડનમાં ગુરૂવારે યોજાયેલા એક સમારોહમાં આ ત્રણ દિગ્ગજોને આ સન્માન આપવામાં આવ્યું છે. સચિન હલ ઓફ ફેમમા સામેલ થનારો છઠ્ઠો ભારતીય ક્રિકેટર છે. તેના પહેલા આઇસીસી ક્રિકેટ હોલ ઓફ ફેમમાં સામેલ થયેલા અન્ય ભારતીય ક્રિકેટરોમાં બિશન સિંહ બેદી, વર્લ્ડકપ વિજેતા ચેમ્પિયન ટીમના કેપ્ટન કપિલ દેવ, દિગ્ગજ સુનિલ ગાવસ્કર, રાહુલ દ્રવિડ અને અનિલ કુંબલેને સામેલ કરાયા હતા.
ગુરૂવારે આયોજિત કાર્યક્રમમાં સચિને કહ્યું હતું કે આ મારા માટે સન્માનની વાત છે. 46 વર્ષના તેંદુલકરની ગણતરી વિશ્વના મહાન બેટ્સમેનોમાં થાય છે.તેના નામે હજુ પણ ઘણાં રેકોર્ડ નોંઘાયેલા છે, કે જેને કોઇ તોડી શકે તેમ નથી. તે વનડે અને ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવનારો બેટ્સમેન છે. તેના નામે 100 ઇન્ટરનેશનલ સદી છે, જે એક રેકોર્ડ છે.