વેસ્ટઇન્ડિઝ સામેની ત્રણ મેચની ટી-20 સિરીઝમાં અજેય સરસાઇ મેળવ્યા પછી હવે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ આવતીકાલે અહીં રમાનારી અંતિમ ટી-20માં ભારતીય ટીમમાં ફેરફારનો સંકેત આપ્યો હતો. કોહલીએ કહ્યું હતું કે અંતિમ મેચમાં એ ખેલાડીઓને તક મળશે કે જેઓને પહેલી બે ટી-20માં તક આપવામાં આવી નહોતી. જો કે આ સાથે જ ટીમની નજર વેસ્ટઇન્ડિઝના વ્હાઇટ વોશ પર પણ હોવાનો સંકેત તેણે આપ્યો હતો.
કોહલીએ કહ્યું હતું કે સિરીઝમાં અજેય સરસાઇ મેળવ્યા પછી હવે ટીમમાં બેન્ચ પર બેઠેલાઓને સામેલ કરવાની તક મળી છે. પહેલી મેચમાં એટલું સારુ પ્રદર્શન રહ્યું ન હોવા છતાં ભારતીય ટીમે એ મેચ જીતી હતી અને બીજી મેચમાં વાતાવરણે વિઘ્ન ઊભુ કર્યું હોવા છતાં ભારતીય ટીમે રોહિત શર્મા અને કૃણાલ પંડ્યાને કારણે 22 રને વિજય મેળવ્યો હતો.
એવું માનવામાં આવે છે કે ત્રીજી ટી-20માં શ્રેયસ ઐય્યર અને રાહુલ ચાહરને તક આપવામાં આવી શકે છે. દીપક ચાહરને પણ તક મળે તો તેમાં નવાઇ ન લાગવી જોઇએ. હવે જોવાનું એ રહે છે કે પંત તેનું સ્થાન જાળવી રાખશે કે કેમ, જો પંતને બહાર બેસાડવામાં આવે તો રાહુલ વિકેટકીપીંગની જવાબદારી સંભાળવી પડશે. ધવન કે રોહિતને આરામ આપવામાં આવે તેવી સંભાવના નથી.