આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપની ન્યુઝીલેન્ડ સામેની સેમી ફાઇનલમાં મહેન્દ્ર સિંહ ધોનીને 7માં ક્રમે બેટિંગમાં ઉતારવાના નિર્ણયની માજી દિગ્ગજ ક્રિકેટરો અને ચાહકો દ્વારા ટીકા કરવામાં આવી રહી છે ત્યારે કોચ રવિ શાસ્ત્રીએ પોતે એવો ખુલાસો કર્યો હતો કે હું પોતે જ નહોતો ઇચ્છતો કે ધોનીને વહેલો બેટિંગમાં ઉતારવામાં આવે.
ધોનીને 7માં ક્રમે બેટિંગમાં ઉતારવા બાબતે રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે હું નહોતો ઇચ્છતો કે ધોની વહેલો બેટિંગમાં ઉતરીને વિકેટ ગુમાવે. કારણકે તે સમયે એવું થયું હોત તો ભારતીય ટીમ લક્ષ્યાંક કબજે કરે તેવી આશાઓને તે જ સમયે અંત આવી ગયો હોત. શાસ્ત્રીએ ભારતીય ટીમના પરાજય પછી એક અંગ્રેજી અખબાર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે આ નિર્ણય ટીમનો હતો અને તેમાં દરેક વ્યક્તિ સામેલ હતા અને એ એક સરળ નિર્ણય હતો. અંતિમ બાબત જે તમે ઇચ્છો છો તે એ છે કે ધોની બેટિંગમાં જલદી ઉતરે અને આઉટ થઇ જાય તો તેનાથી ટાર્ગેટ ચેઝ કરવાની સંભાવનાનો જ અંત આવી જાત.\
ટીમ ઇન્ડિયાના કોચે કહ્યું હતું કે અમને પાછળથી તેના અનુભવની જરૂર હતી. તે સર્વકાલિન મહાન ફિનીશરોમાંથી એક છે અને તેને વહેલો ઉતારીને તેનો ઉપયોગ કરવો એ એક ગુનો બન્યો હોત. આખી ટીમ આ બાબતે સ્પષ્ટ હતી.
ધોનીને 7માં ક્રમે મોકલવાનો નિર્ણય ટીમનો કે સહાયક કોચ સંજય બાંગરનો
ન્યુઝીલેન્ડ સામેની સેમી ફાઇનલમાં મહેન્દ્ર સિંહ ઘોનીને 7માં ક્રમે બેટિંગમાં ઉતારવા મામલે સચિન તેંદુલકર, સૌરવ ગાંગુલી અને વીવીએસ લક્ષ્મણ સહિતના દિગ્ગજ ક્રિકેટોએ સવાલો ઉઠાવીને આ નિર્ણયને વ્યુહાત્મક ભુલ સમાન ગણાવી રહ્યા છે અને માજી કેપ્ટન સુનિલ ગાવસ્કરે પણ આ મામલે સવાલ ઉઠાવ્યો છે ત્યારે કોચ રવિ શાસ્ત્રીનો એવો ખુલાસો આવ્યો છે કે હું નહોતો ઇચ્છતો કે ધોનીને વહેલો ઉતારવામાં આવે અને તે આઉટ થઇ જાય, જો કે આ બાબતે એક નવી વાત એ આવી છે કે આ નિર્ણય બીજા કોઇનો નહીં પણ બેટિંગ કોચ સંજય બાંગરનો હતો. તેણે ટીમ સમક્ષ આ વિચાર મુક્યો હતો અને તે પછી તેની વાતમાં બધાએ સંમતિ આપી હતી.