ભારત સામે અહી રમાયેલી વર્લ્ડ કપની ઍક મેચમાં બાંગ્લાદેશના ઓલરાઉન્ડર શાકિબ અલ હસને હાલના વર્લ્ડ કપમાં બેવડી સિદ્ધિ મેળવી હતી. શાકિબે મંગળવારની આ મેચમાં 66 રનની ઇનિંગ રમીને વર્લ્ડ કપમાં કુલ 542 રન બનાવી લીધા છે. તે હાલમાં વર્લ્ડકપમાં સર્વાધિક રન કરવા મામલે ટોચના સ્થાને રહેલા રોહિત શર્માથી માત્ર 2 રન દૂર રહી ગયો હતો.
આ સિવાય આજે તેણે ઋષભ પંતના રૂપમાં પોતાની ઍકમાત્ર વિકેટ ઉપાડી હતી અને તેની સાથે તેની કુલ વિકેટનો આંક 11 થયો હતો. ક્રિકેટ વર્લ્ડ કપના 44 વર્ષના ઇતિહાસમાં કોઇ ઍક વર્લ્ડ કપમાં 500 કે તેનાથી વધુ રન અને 10થી વધુ વિકેટ ઉપાડનારો તે ઍકમાત્ર ખેલાડી બન્યો હતો. તેના પહેલા 2007ના વર્લ્ડકપમાં ન્યુઝીલેન્ડના સ્કોટ સ્ટાયરિસે 499 રન અને 9 વિકેટ ઉપાડી હતી, તેનાથી આગળ કોઇ વધી શક્યું નહોતું, જે સીમા શાકિબે આજે ઓળંગી દીધી છે અને તે 500થી વધુ રન અને 10થી વધુ વિકેટ ઉપાડનારો વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો છે.