સેમી ફાઇનલ પહેલાની અંતિમ રાઉન્ડ રોબિન મેચ પહેલા ઓસ્ટ્રેલિયાને ઍક મોટો ફટકો પડ્યો હતો અને તેનો ડાબોડી બેટ્સમેન શોન માર્શ નેટ પ્રેક્ટિસ દરમિયાન ઘવાયો હતો. માર્શને હાથમાં પ્રેક્ટિસ દરમિયાન ફ્રેક્ચર થતાં તે વર્લ્ડ કપમાંથી આઉટ થઇ ગયો છે અને તેના સ્થાને વિકેટકીપર બેટ્સમેન પીટર હેન્ડ્સકોમ્બને ટીમ સાથે જાડાવા માટે બોલાવાયો છે.
માર્શને નેટ પ્રેક્ટિસ દરમિયાન પેટ કમિન્સનો બોલ માર્શના કાંડા પર વાગ્યો હતો. તેના પહેલા નેટમાં મેક્સવેલ પણ ઘાયલ થયો હતો. તેને ડાબોડી બોલર મિચેલ સ્ટાર્કનો બોલ જમણા હાથમાં વાગ્યો હતો. બંને ખેલાડીને તપાસ માટે હોસ્પિટલ લઇ જવાયા હતા, જેમાં માર્શના હાથના ભાગે ફ્રેક્ચર હોવાનું જણાતા તે ટુર્નામેન્ટમાંથી આઉટ થઇ ગયો છે. મેકસવેલની ઇજા ઍટલી ગંભીર નથી.