પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) દ્વારા ગુરૂવારે 2019-20 માટે ખેલાડીઓને આપવામાં આવેલા સેન્ટ્રલ કરારમાંથી માજી કેપ્ટન શોએબ મલિક અને મહંમદ હાફિઝને આઉટ કરી દીધા છે. કેપ્ટન સરફરાઝ અહેમદ, બેટ્સમેન બાબર આઝમ અને લેગ સ્પિરન યાસિર શાહને એ કેટેગરીમાં જાળવી રાખવામાં આવ્યાં છે. ટેસ્ટના ઓપનર અઝહર અલીને બી કેટેગરીમાં જ્યારે હાલમાં જ ટેસ્ટમાંથી નિવૃત્તિ લેનારા ઝડપી બોલર મહંમદ આમિરને સી કેટેગરીમાં મુકી દેવાયા છે.
બોર્ડે 2019-20ની સિઝન માટે હવે સેન્ટ્રલ કરારમાં સામેલ ખેલાડીઓની સંખ્યા પણ 33 પરથી ઘટાડીને 19 કરી દીધી છે. આ સિઝનમાં પુરૂષ ક્રિકેટ ટીમ 6 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ, ત્રણ વન ડે અને 9 ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમશે. પીસીબીએ જણાવ્યું હતું કે સેન્ટ્રલ કરારની જાહેરાત કરતાં ખેલાડીઓના છેલ્લા 12 મહિનાના પ્રદર્શન અને ફિટનેસને ધ્યાને લેવામાં આવ્યા છે. આ કરાર 1લી ઓગસ્ટ 2019થી 30 જૂન 2020 સુધી ચાલશે.