ભારત-એ ટીમના યુવા બેટ્સમેન શુભમન ગીલે ત્રિનિદાદ એન્ડ ટોબેગોના બ્રાયન લારા સ્ટેડિયમમાં વેસ્ટઇન્ડિઝ-એ સામેની ત્રીજી બિન સત્તાવાર ટેસ્ટના ત્રીજા દિવસે બેવડી સદી ફટકારીને ઇતિહાસ રચ્યો હતો. શુભમન ગીલે ફર્સ્ટક્લાસ ક્રિકેટમાં સૌથી નાની વયે બેવડી સદી ફટકારવાનો ગૌતમ ગંભીરનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો, તેની સાથે જ વિદેશમાં સૌથી નાની વયે બેવડી સદી ફટકારવાનો અબ્બાસ અલી બેગનો રેકોર્ડ પણતેણે તોડ્યો હતો. આ ઉપરાંત વેસ્ટઇન્ડિઝની ધરતી પર સૌથી નાની વયે બેવડી સદી ફટકારનારો ત્રીજો ખેલાડી પણ તે બન્યો હતો.
શુભમન ગીલે 19 વર્ષ અને 334 દિવસની વયે બેવડી સદી ફટકારી સૌથી યુવા ભારતીય બન્યો હતો. તેના પહેલા આ રેકોર્ડ ગૌતમ ગંભીરના નામે હતો, જેણે 2002માં ઝિમ્બાબ્વે સામે ભારતીય બોર્ડ પ્રેસિડન્ટ ઇલેવન વતી 20 વર્ષ અને 124 દિવસની વયે બેવડી સદી ફટકારી હતી. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં વિદેશની ધરતી પર બેવડી સદી ફટકારનારો પણ તે સૌથી યુવા ભારતીય બન્યો હતો, આ મામલે તેણે અબ્બાસ અલી બેગનો રેકોર્ડ તોડ્યો હતો, જેમણે 1959માં 20 વર્ષ 79 દિવસની વયે ઓક્સફર્ડ યુનિવર્સિટી માટે 221 રનની ઇનિંગ રમી હતી.
શુભમન ગીલ વેસ્ટઇન્ડિઝની ધરતી પર બેવડી સદી ફટકારનારો ત્રીજો સૌથી યુવા ખેલાડી બન્યો છે. 1967માં જ્યોફ્રી ગ્રિનીજે 18 વર્ષ અને 301 દિવસની વયે બાર્બાડોસ વતી અને ફ્રેન્ક વોરેલે 1944માં 19 વર્ષ 197 દિવસની વયે બાર્બાડોસ વતી બેવડી સદી ફટકારી હતી. પહેલા દાવમાં શૂન્ય રને આઉટ થયેલા ગીલે બીજા દાવમાં 219 બોલમાં 10 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 204 રનની ઇનિંગ રમી હતી. તેણે 118 રન કરનારા હનુમા વિહારી સાથે પાંચમી વિકેટની ભાગીદારીમાં 305 રનની નોટઆઉટ ભાગીદારી કરી હતી. જેની મદદછી ભારતીય ટીમે વેસ્ટઇન્ડિઝ-એ સામે 373 રનનો વિશાળ લક્ષ્યાંક મુક્યો હતો.