Shubman Gill: એજબેસ્ટન ટેસ્ટમાં ભારત જીતની શોધમાં, કેપ્ટન ગિલ માટે મોટો પડકાર
Shubman Gil: lભારતીય ટીમ માટે ઇંગ્લેન્ડ પ્રવાસની શરૂઆત અપેક્ષા મુજબ નહોતી રહી. 5 મેચની ટેસ્ટ શ્રેણીની પહેલી મેચમાં ટીમ ઇન્ડિયાને ઇંગ્લેન્ડના હાથે પાંચ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં ભારતે ચોથી ઇનિંગમાં ઇંગ્લેન્ડને 371 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેનો ઇંગ્લેન્ડે સફળતાપૂર્વક પીછો કર્યો હતો. આ હાર બાદ સૌથી વધુ ટીકા ટીમ ઇન્ડિયાના નવા ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલની થઈ રહી છે.
જોકે, હવે ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન અને દિગ્ગજ બેટ્સમેન એલિસ્ટર કૂક ગિલના સમર્થનમાં સામે આવ્યા છે. કૂકે કહ્યું છે કે જ્યારે કોઈ નવો કેપ્ટન ટીમનો હવાલો સંભાળે છે, ત્યારે બાકીના ખેલાડીઓને તેની સાથે એડજસ્ટ થવામાં સમય લાગે છે. ‘સ્ટીક ટુ ક્રિકેટ’ શોમાં આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે જ્યારે બેન સ્ટોક્સે ઇંગ્લેન્ડની કેપ્ટનશીપ સંભાળી ત્યારે પણ શરૂઆતમાં ખેલાડીઓએ તેમની રણનીતિ અને વિચારસરણીમાં એડજસ્ટ થવામાં સમય લીધો હતો. આવી સ્થિતિમાં શુભમન ગિલને પણ થોડો સમય આપવો જોઈએ.
હવે ભારતીય ટીમ 2 જુલાઈથી એજબેસ્ટન મેદાન પર શ્રેણીની બીજી ટેસ્ટ મેચ રમવાની છે. જોકે, આ મેદાન ભારત માટે શુભ રહ્યું નથી. ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધીમાં અહીં 8 ટેસ્ટ મેચ રમી છે, જેમાંથી 7 હાર્યા છે અને 1 ડ્રો થઈ છે. ખાસ કરીને 2022ના પ્રવાસમાં, ભારતને આ મેદાન પર ઈંગ્લેન્ડ સામે 7 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે ઈંગ્લેન્ડે 378 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. આવી સ્થિતિમાં શુભમન ગિલ સામે હવે પોતાને સાબિત કરવાનો અને ટીમનું મનોબળ ફરીથી વધારવાનો મોટો પડકાર રહેશે.