દુબઇ : ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે અહીં રમાયેલી પાંચ વનડેની સિરીઝની અંતિમ મેચમાં પણ ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને હરાવીને તેમનો 5-0થી વ્હાઇટ વોશ કર્યો હતો. પાંચમી વનડેમાં પાકિસ્તાનના બેટ્સમેન હેરિસ સોહેલે પોતાની વનડે કેરિયરની બીજી સદી ફટકારી તો હતી પણ તે છતાં પાકિસ્તાન આ વનડે 20 રને જીતી ગયું હતું.
ટોસ હારીને પહેલા બેટિંગ કરતાં ઓસ્ટ્રેલિયા વતી તેમનો ઓપનર ઉસ્માન ખ્વાજા માત્ર બે રન માટે સદી ચુક્યો હતો અને તે 98 રન બનાવી આઉટ થયો હતો. તેના સિવાય ગ્લેન મેક્સવેલે પોતાની 100મી વનડે રમતા તોફાની બેટિંગ કરીનેં 33 બોલમાં 70 રન ફટકાર્યા હતા. શોન માર્શે પણ 68 બોલમાં 61 તો કેપ્ટન એરોન ફિન્ચે 69 બોલમાં 53 રન બનાવ્યા હતા. આ તમામની ઇનિંગને કારણે ઓસ્ટ્રેલિયાએ 7 વિકેટે 327 રન બનાવ્યા હતા.
ઓસ્ટ્રેલિયાએ મુકેલા 328 રનના લક્ષ્યાંક સામે પાકિસ્તાન 7 વિકેટે 307 રન સુધી જ પહોંચી શક્યું
328 રનના લક્ષ્યાંક સામે પાકિસ્તાનની શરૂઆત ખરાબ રહી હતી તેમનો ઓપનર આબિદ અલી ખાતું ખોલાવ્યા વગર પેવેલિયન ભેગો થયો હતો. તે પછી અડધી સદી ફટકારનાર શાન મસૂદે હેરિસ સોહેલ સાથે મળીને શતકીય ભાગીદારી કરી હતી. મસૂદ આઉટ થયા પછી ઉમર અકમલે 43 અને ઇમાદ વાસિમે 50 રન કરીને પાકિસ્તાનને જીત સુધી લઇ જવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તેઓ નિર્ધારિત 50 ઓવરના અંતે 7 વિકેટે 307 રન સુધી જ પહોંચી શક્યા હતા. હેરિસ સોહેલે 129 બોલમાં 130 રન કર્યા હતા પણ તેની એ સદી એળે ગઇ હતી.