સોમવારે અહીં દક્ષિણ આફ્રિકા અને વેસ્ટઇન્ડિઝ સામેની વર્લ્ડ કપની મેચ વરસાદે ધોઇ નાંખી હતી. બંને ટીમોને 1-1 પોઇન્ટ આપી દેવાયા હતા. દક્ષિણ આફ્રિકાની ઇનિંગની 8મી ઓવરમાં વરસાદને કારણે રમત અટકી હતી અને ફરી મેચ શરૂ થઇ શકી નહોતી. મેચ રદ થવાને કારણે દક્ષિણ આફ્રિકાને ટુર્નામેન્ટમાં પોતાનો પહેલો પોઇન્ટ મળ્યો હતો પણ તે પોઇન્ટ ટેબલમાં હજુ પણ 7મા સ્થાને છે. તો બીજી તરફ વેસ્ટઇન્ડિઝ 3 પોઇન્ટ સાથે પાંચમા સ્થાને આવી ગઇ છે. જો કે વેસ્ટઇન્ડિઝની ટીમે જે રીતે શરૂઆત કરી હતી તેને ધ્યાને લેતા તેમને આ પરિણામથી ઘણી નિરાશા મળી હશે.
આ પહેલા વેસ્ટઇન્ડિઝના કેપ્ટન જેસન હોલ્ડરે ટોસ જીતીને પહેલા ફિલ્ડીંગનો નિર્ણય લીધો હતો, દક્ષિણ આફ્રિકાની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. તેમણે 7મી ઓવરમાં હાશિમ અમલા અને ઍડેન માર્કરમની વિકેટ ગુમાવી દીધી હતી અને તે સમયે સ્કોર માત્ર 28 રન હતો. 7.3 ઓવરની રમત થઇ હતી ત્યારે વરસાદે વિઘ્ન નાંખ્યું ત્યારે સ્કોર 2 વિકેટે 29 રનનો હતો. ક્વિન્ટોન ડિ કોક 17 અને કેપ્ટન ડુ પ્લેસિસ 00 રને રમતમાં હતા. વેસ્ટઇન્ડિઝની બંને વિકેટ શેલ્ડન કોટ્રેલે લીધી હતી. વેસ્ટઇન્ડિઝની મેચ હવે પછી 14 જૂને યજમાન ઇંગ્લેન્ડ સામે જ્યારે દક્ષિણ આફ્રિકાની મેચ અફઘાનિસ્તાન સામે 15 જૂને રમાશે.