કોલંબો, તા. ૨૬ ઃ બાંગ્લાદેશના શ્રીલંકા પ્રવાસની શુક્રવારે અહી રમાયેલી પહેલી વનડેમાં કુસલ પરેરાની ઝડપી સદીની મદદથી ૮ વિકેટે ૩૧૪ રન બનાવીને મુકેલા ૩૧૫ રનના લક્ષ્યાંક સામે શ્રીલંકન બોલરોની અંકુશીત બોલિંગને કારણે બાંગ્લાદેશની ટીમ ૨૨૩ રનમાં ઓલઆઉટ થતાં શ્રીલંકાની ટીમે ૯૧ રને જીત મેળવીને લસિથ મલિંગાને વિજય સાથે વિદાય આપી હતી. મલિંગાઍ આ વનડેમાં ૩ વિકેટ ઉપાડીને પોતાની વિદાયને થોડી યાદગાર બનાવી હતી.
લસિથ મલિંગાઍ પોતાની અંતિમ વન ડેમાં ૩ વિકેટ ઉપાડી, પ્રદીપની પણ ૩ વિકેટ
૩૧૫ રનના લક્ષ્યાંકની સામે બાંગ્લાદેશની શરૂઆત ખરાબ રહી હતી અને ૩૯ રનમાં ૪ વિકેટ તેમણે ગુમાવી દીધી હતી. તે પછી શબ્બીર રહેમાન અને મુશ્ફીકર રહીમ વચ્ચે ૧૧૧ રનની ભાગીદારી થઇ હતી. જા કે આ ભાગીદારી તૂટી તે પછી બાંગ્લાદેશ નિયમિત સમયાંતરે વિકેટ ગુમાવતું રહ્યું હતું અને અંતે ૨૨૩ રને તેઓ ઓલઆઉટ થયા હતા.
શ્રીલંકાના કેપ્ટન દિમૂથ કરુણારત્નેઍ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઓપનીંગમાં ઉતારાયેલો ફર્નાન્ડો માત્ર ૭ રન બનાવીને આઉટ થયો તે પછી કરુણારત્ને સાથે કુસલ પરેરાઍ બીજી વિકેટની ૯૭ રનની ભાગીદારી કરી હતી. કરુણારત્ને ૩૬ રન કરીને આઉટ થયો તે પછી કુસલ પરેરાઍ કુસલ મેન્ડિસની સાથે મળીને ૧૦૦ રનની ભાગીદારી કરી હતી. તેણે સદી ફટકારવાની સાથે કરેલી બે મજબૂત ભાગીદારીને કારણે શ્રીલંકાઍ ૩૧૪ રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. બાંગ્લાદેશ વતી ત્રણ વર્ષ પછી વન ડે રમવા ઉતરેલા શફીઉલ ઇસ્લામે ૩ વિકેટ લીધી હતી.