બાંગ્લાદેશના શ્રીલંકા પ્રવાસની રવિવારે રમાયેલી બીજી વનડેમાં મુશ્ફીકર રહીમની નોટઆઉટ 98 રનની ઇનિંગની મદદથી બાંગ્લાદેશે 8 વિકેટે 238 રનનો સ્કોર બનાવીને યજમાન ટીમ સામે 239 રનનો લક્ષ્યાંક મુક્યો હતો. જેની સામે શ્રીલંકા વતી અવિષ્કા ફર્નાન્ડોની 82 રનની ઇનિંગ ઉપરાંત ઍન્જેલો મેથ્યુઝની નોટઆઉટ 52 રનની ઇનિંગની મદદથી શ્રીલંકાઍ 44.4 ઓવરમાં જ 3 વિકેટના ભોગે લક્ષ્યાંક કબજે કરી 7 વિકેટે વિજય મેળવીને સિરીઝમાં 2-0ની સરસાઇ મેળવી લીધી હતી
239 રનના લક્ષ્યાંક સામે શ્રીલંકા તરફથી અવિષ્કા ફર્નાન્ડો અને દિમુથ કરુણારત્નેઍ ટીમને સારી શરૂઆત અપાવીને 71 રનની ભાગીદારી કરી હતી. જો કે 129 રનના સ્કોર સુધીમાં બંનેની વિકેટ પડી ગઇ હતી તે પછી 146 રને શ્રીલંકાઍ ત્રીજી વિકેટ કુસલ પરેરાના રૂપમાં ગુમાવી હતી. અહીંથી કુસલ મેન્ડિસ અને ઍન્જલો મેથ્યુઝે 96 રનની નોટઆઉટ ભાગીદારી કરી ટીમને જીતાડી હતી. મેથ્યુઝ 52 રને અને મેન્ડિસે 41 રને નોટઆઉટ રહ્યા હતા.
આ પહેલા બાંગ્લાદેશના ટોપ ઓર્ડરના ત્રણ બેટ્સમેનો ફરી ઍકવાર પોતાની ટીમને સારી શરૂઆત અપાવી શક્યા નહોતા અને બાંગ્લાદેશે 117ના સ્કોર સુધીમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. જો કે રહીમે ઍક છેડો સાચવી રાખ્યો હતો. તે પછી તેણે 43 રન કરનારા મહેંદી હસન મિરાજ સાથે 84 રનની ભાગીદારી કરીને સ્કોરને 200 પાર પહોંચાડ્યો હતો. રહીમે ઍકલા હાથે લડત ચલાવતા બાંગ્લાદેશ 238ના સ્કોર સુધી પહોંચી શક્યું હતું. તે 98 રન કરીને નોટઆઉટ રહ્યો હતો.