મેલબોર્ન : ઓસ્ટ્રેલિયાનો ઝડપી બોલર મિચેલ સ્ટાર્કે આઇપીએલની ગત સિઝન ઇજાને કારણે ગુમાવવા મામલે એક વીમા કંપની પર 1.53 કરોડ ડોલરના વળતરનો દાવો માંડ્યો છે. તેણે માંડેલા આ દાવા મામલે કાનૂની કાર્યવાહી શરૂ થઇ છે. લંડનની એક વીમા કંપનીએ સ્ટાર્ક ઇજાને કારણે આઇપીએલ સિઝન નહીં રમી શકે તે બાબતનો વીમો ઉતાર્યો હતો. સ્ટાર્કને ગત વર્ષે દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટેસ્ટ દરમિયાન ઇજા થઇ હતી અને તે પછીની ટેસ્ટમાં ફરી ઇજા થતાં તેના કારણે તે આઇપીએલની ગત આખી સિઝન રમી શક્યો નહોતો.
સ્ટાર્કે ગત અઠવાડિયે વિક્ટોરિયન કાઉન્ટી કોર્ટમાં કોલકાતા નાઇટ રાઇડર્સ સાથે રમવા માટે થયેલી 12.5 કરોડ રૂપિયાની ડીલ બાબતે પોતાનો વીમો ઉતારનારી કંપની સામે કેસ દાખલ કર્યો છે. ગત સિઝનમાં સ્ટાર્ક એકપણ મેચ રમી શક્યો નહોતો અને 2019ની સિઝન શરૂ થતાં પહેલા તેને કેકેઆરે રિલીઝ કરી દીધો હતો. કોર્ટના દસ્તાવેજો અનુસાર સ્ટાર્કે 1.53 મિલિયન ડોલરનો વીમો કરાવ્યો હતો. જે ઇજાને કારણે આઇપીએલ ન રમી શકે તો લાગુ થઇ શકતો હતો,. સ્ટાર્કે એ વીમા પોલિસી હેઠળ 97200 ડોલરનું પ્રીમિયમ પણ ભર્યું હતું. આ પોલિસી 27 ફેબ્રુઆરીથી લઇને 31 માર્ચ સુધીના સમયગાળાને કવર કરવાની હતી.
તેના દ્વારા કોર્ટમાં જણાવાયા અનુસાર વીમા કંપનીએ તેની સંપૂર્ણ મેડિકલ તપાસ કરાવડાવી હતી અને એ કરારમાં જૂની ઇજા નકાર હતો. સ્ટાર્કે લંડનની લોયડ સિન્ડીકેટ પર આ દાવો માંડ્યો છે, જે વીમા સેવા આપતી કંપની છે. આ કંપની પરંપરાગત વીમા સેવા આપતી કંપનીઓ કરતાં અદ્ધિતિય કહી શકાય તેવી પરિસ્થિતિઓનું કવરેજ આપે છે.