ચેન્નઇ : મુંબઇ ઇન્ડિયન્સ સામેની મેચ પહેલા જ્યારે સીએસકેના કેપ્ટન તરીકે સુરેશ રૈના ટોસ ઉછાળવા આવ્યો ત્યારે એવું લાગ્યું હતું કે ધોનીએ આરામ કરવાનો નિર્ણય કર્યો હશે, પણ પછી એવું જાહેર થયું હતું કે ધોની તાવમાં સપડાયો હોવાને કારણે આ મેચમાં રમવા ઉતર્યો નથી. હવે ચેન્નઇ સુપર કિંગ્સના બેિટંગ કોચ સ્ટીફન ફ્લેમિંગે એવો ખુલાસો કર્યો છે કે માત્ર કેપ્ટન એમ એસ ધોની જ નહીં પણ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પણ બિમાર છે. આ સમાચાર માત્ર ચેન્નઇ સુપર કિંગ્સ માટે જ નહીં પણ ટીમ ઇન્ડિયા માટે પણ ચિંતા જનક છે, કારણ આ બંને વર્લ્ડ કપની ટીમમાં સામેલ છે.
ધોની અને જાડેજા અંગે વાત કરતાં ફ્લેમિંગે કહ્યું હતું કે બંને ગંભીર રૂપે બિમાર છે. બંનેની તબિયતમાં હાલ સુધારો દેખાતો નથી અને તેના કારણે ટીમ હાલ સંઘર્ષ કરી રહી છે. એ ઉલ્લેખનીય છે કે હાલની આઇપીએલમાં સીએસકે વતી સૌથી સારું પ્રદર્શન ધોનીનું રહ્યું છે, તેણે 7 ઇનિંગમા 314 રન કર્યા છે. આ બંનેની બિમારી ભારતીય ટીમ મેનેજમેન્ટ માટે પણ શુભ સંકેત તો નથી જ. બીસીસીઆઇ એવી આશા રાખતું હશે કે બંને ઝડપથી સાજા થઇ જાય.