ઇંગલેન્ડ સામે અહીંના ઓલ્ડટ્રેફર્ટ પર રમાઇ રહેલી ચોથી એશિઝ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના માજી કેપ્ટન સ્ટીવ સ્મિથે બેવડી સદી ફટકારીને કેપ્ટન ટીમ પેન સાથેની શતકીય ભાગીદારીથી ઓસ્ટ્રેલિયાને મજબૂત સ્કોર પર મુકી દીધું હતું. ઓસ્ટ્રેલિયાએ 8 વિકેટે 497 રને પોતાનો દાવ ડિકલેર કર્યો હતો અને બીજા દિવસની રમત પુર્ણ થઇ ત્યારે ઇંગ્લેન્ડે 1 વિકેટના ભોગે 23 રન બનાવ્યા હતા અને રોરી બર્ન્સ 15 જ્યારે ક્રેગ ઓવર્ટન 3 રને રમતમાં હતા.
સ્ટીવ સ્મિથ 211 રન બનાવીને આઉટ થયો તે પછી મિચેલ સ્ટાર્કે પોતાની અર્ધસદી પુરી કરી હતી અને તેની સાથે જ ઓસ્ટ્રેલિયન કેપ્ટન ટીમ પેને 8 વિકેટે 497 રને દાવ ડિકલેર કર્યો હતો. દાવ ડિક્લેર કરાયો ત્યારે મિચેલ સ્ટાર્ક 54 અને નાથન લિયોન 26 રને નોટઆઉટ રહ્યા હતા. આ પહેલા ઓસ્ટ્રેલિયાને સ્મિથ અને પેને મળીને મજબૂત સ્કોર ભણી મુક્યું હતું. આ બંનેએ લંચબ્રેક અને ટી બ્રેક સુધી ટીમને કોઇ નુકસાન થવા દીધું નહોતું અને તે સમયે સ્મિથ 173 રને અને કેપ્ટન પેન 68 રને રમતમાં હતા. સવારના સત્રમાં એકમાત્ર વિકેટ મેથ્યુ વેડની પડી હતી. પહેલા દિવસે વરસાદને કારણે માત્ર 44 ઓવરની જ રમત શક્ય બની હતી.