ઓસ્ટ્રેલિયા વતી સર્વાધિક રન બનાવનારા માજી કેપ્ટન રિકી પોન્ટીંગે એશિઝ ટેસ્ટમાં બેવડી સદી વિંઝનારા સ્ટીવ સ્મિથને જિનિયસ ગણાવ્યો હતો, જ્યારે તેની આ ઇનિંગ પર ઓવારી ગયેલા ઓસ્ટ્રેલિયન મીડિયાએ તેની રમતને ડોન બ્રેડમેન જેવી ગણાવી હતી. બોલ ટેમ્પરિંગ પ્રકરણમાં 12 મહિનાનો પ્રતિબંધ વેઠીને જોરદાર પુનરાગમન કરનાર સ્મિથ જબરદસ્ત ફોર્મમાં છે, તેણે ચોથી ટેસ્ટમાં 211 રનની ઇનિંગ રમી હતી અને એશિઝમાં આ તેની ત્રીજી બેવડી સદી રહી હતી.
પોન્ટીંગે ક્રિકેટ.કોમ.એયુને કહ્યું હતું કે તમને તેની પ્રશંસામાં ઘણું સાંભળવા મળી શકે છે, પણ મારા મનમાં જે શબ્દ આવે છે તે છે જિનિયસ. એ એક પ્રભાવશાળી ઇનિંગ હતી, તે કોઇ ભુલ જ નથી કરતો અને તેની એકાગ્રતા પણ જોરદાર છે. ઓસ્ટ્રેલિયન મીડિયાએ ડોન બ્રેડમેન સાથે તેની સરખામણી કરતાં કહ્યું હતું કે બંને વચ્ચેનું અંતર ઘટતું જઇ રહ્યું છે. સીનિયર લેખક ગાઇડોને કહ્યું હતું કે આપણે એવા મુકામે છીએ કે જ્યાં માત્ર સ્મિથ અને બ્રેડમેનનું નામ એક જ વાક્યમાં લઇ શકાય છે તેથી આગળ કહું તો એકબીજાના સ્થાને પણ લઇ શકાય છે. સિડની ડેઇલી ટેલિગ્રાફે લખ્યું હતું કે બેવડી સદીથી સ્મિથની મહાનતા ફરી સાબિત થઇ આ ઇનિંગથી તે સર ડોનાલ્ડ બ્રેડમેન સિવાય અન્ય સાથેની તુલનાથી અલગ થઇ જશે.
સ્મિથને કેવી રીતે આઉટ કરી શકાય તે સમજાતુ નથી : પોન્ટિંગ
પોતાના સમયમાં પન્ટરના નામથી ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં જાણીતા રિકી પોન્ટીંગને ક્રિકેટના સૌથી ઝડપથી ચાલતા દિમાગવાળો ગણવામાં આવતો હતો પણ તેને ય એ સમજાતું નથી કે સ્ટીવ સ્મિથને કેવી રીતે આઉટ કરવો. તેણે કહ્યું હતું કે છેલ્લી 99 ઇનિંગમાં સ્મિથ માત્ર 9 વાર એલબીડબલ્યુ આઉટ થયો છે. મતલબ કે સીધા બોલ નાંખવાથી તેને આઉટ કરી શકાય તેમ નથી. તેને બેટથી બહાર જતા બોલ નાંખીને ચકાસવો જોઇએ એવું તેણે ઉમેર્યું હતું.
સચિને કરી સ્મિથની પ્રશંસા : નક્કર વિચારણા બધાથી અલગ બનાવે છે
ઓસ્ટ્રેલિયાના માજી કેપ્ટન સ્ટીવ સ્મિથે એશિઝ સિરીઝની ચોથી ટેસ્ટમાં બેવડી સદી વિંઝ્યા પછી ભારતના દિગ્ગજ ક્રિકેટર સચિન તેંદુલકરે સ્મિથની આ ઇનિંગની પ્રશંસા કરી હતી. તેણે ટિ્વટ કરીને જણાવ્યું હતું કે ગુંચવણભરી ટેકનીક પણ વિચારણા નક્કર. આ જ એ બાબત છે જે સ્મિથને બધાથી અલગ બનાવે છે. જોરદાર વાપસી. ઇંગ્લેન્ડના માજી ક્રિકેટર માઇકલ વોને પણ પ્રશંસા કરતાં ટિ્વટ કર્યું હતું કે એક ઓસ્ટ્રેલિયન ખેલાડીની પ્રશંસા કરવાનું સારું તો નથી લાગતું પણ તમે એ ખેલાડીનું સન્માન તો કરી જ શકો છો કે જેની પાસે પ્રતિભા હોય, એકાગ્રતા અને જોરદાર હેન્ડ-આઇ કોઓર્ડિનેશન હોય. સ્મિથ તુ કમાલ છે. જોઇને ઘણું સારું લાગ્યું.