હૈદરાબાદ : ઇન્ડિયન પ્રીમિયર લીગની રવિવારે રમાયેલી પહેલી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ડેવિડ વોર્નર અને ડોની બેયરસ્ટોની વિક્રમી ભાગીદારી સાથેની ઇનિંગ અને મહંમદ નબીની જોરદાર બોલિંગને કારણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 118 રને હરાવ્યું હતું. મેચમાં ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી સનરાઇઝર્સની ટીમે ૨૦ અોવરમાં 2 વિકેટના ભોગે 231 રન બનાવ્યા હતા, જેની સામે આરસીબીની ટીમ 19.5 ઓવરમાં માત્ર 113 રને ઓલઆઉટ થઇ હતી.
હૈદરાબાદના દાવની શરૂઆત જારદાર રહી હતી અને ઓપનર વોર્નર તેમજ બેયરસ્ટોઍ મળીને પ્રથમ વિકેટની 185 રનની ભાગીદારી કરી હતી. બેયરસ્ટોઍ 56 બોલમાં 7 છગ્ગા અને 12 ચોગ્ગાની મદદથી 114 રનની ઇનિંગ રમી હતી. જ્યારે વોર્નરે 55 બોલમાં 5 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 100 રન કર્યા હતા. તેમની આ ઇનિંગના પ્રતાપે સનરાઇઝર્સે બે વિકેટના ભોગે 231 રનનો સ્કોર બનાવ્યો હતો.
232 રનના લક્ષ્યાંક સામે બેંગ્લોરની પ્રથમ વિકેટ પાર્થિવ પટેલના રૂપમાં પડી હતી અને તે પછી ઍક પછી ઍક ખેલાડીની આવનજાવન શરૂ થઇ ગઇ હતી. શિમરોન હેટમાયર 9, ઍબી ડિવિલિયર્સ 1 વિરાટ કોહલી 3 જ્યારે મોઇન અલી 2 રન બનાવીને પેવેલિયન ભેગા થયા હતા. 30 રનના સ્કોર સુધીમાં તેમની અડધી ટીમ પેવેલિયનમાં બેઠી હતી. તે પછી આઇપીઍલમાં પોતાની પ્રથમ મેચ રમી રહેલા પ્રયાસ રે બર્મન અને કોલિન ડિ ગ્રાન્ડહોમે મળીને 51 રનની ભાગીદારી કરી હતી. બર્મન 24 બોલમાં 19 રન બનાવી આઉટ થયો હતો. જ્યારે ગ્રાન્ડહોમે 37 રનની ઇનિંગ રમી હતી. હૈદરાબાદ તરફથી મહંમદ નબીઍ માત્ર 11 રન આપીને 4 વિકેટ ઉપાડી હતી, તેના સિવાય સંદીપ શર્માઍ 3 વિકેટ ઉપાડી હતી.
