હૈદરાબાદ : અહીં રમાયેલી સનરાઇઝર્સ હૈદરાબાદ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચેની મેચમાં કેપ્ટન ધોનીની ગેરહાજરીમાં ચેન્નઇ સુપર કિંગ્સ સારી શરૂઆત પછી લથડતા 20 ઓવરમાં પાંચ વિકેટના ભોગે 132 રન સુધી જ પહોંચી શક્યું હતું. 133 રનના લક્ષ્યાંકને સનરાઇઝર્સ હૈદરાબાદે 16.4 ઓવરમાં 4 વિકેટના ભોગે આંબી લીધો હતો. ધોનીની ગેરહાજરીમાં ટીમનું સુકાન સુરેશ રૈનાને સોંપાયું હતું.
133 રનના લક્ષ્યાંક સામે ડેવિડ વોર્નર અને જાની બેયરસ્ટોઍ સનરાઇઝર્સને ઝડપી અને સારી શરૂઆત અપાવી હતી. બંનેઍ મળીને 5.3 ઓવરમાં 66 રન બોર્ડ પર મુકી દીધા હતા, જેમાંથી વોર્નરના 50 રન હતા અને ઍ સ્કોર પર જ વોર્નર આઉટ થયો હતો. તે પછી વિલિયમ્સન તરત જ આઉટ થયો હતો અને ત્રીજી વિકેટ 105 રને શંકરના રૂપમાં પડી હતી. અંતે બેયરસ્ટો નોટઆઉટ 61 રન કરીને ટીમને વિજય સુધી લઇ ગયો હતો.
ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી સીઍસકેની ટીમને ફાફ ડુ પ્લેસિસ અને શેન વોટ્સને 79 રનની ભાગીદારી કરીને જોરદાર શરૂઆત અપાવી હતી. જો કે વોટ્સન 10મી ઓવરમાં આઉટ થયો તે પછી ડુ પ્લેસિસ પણ આઉટ થઇ હયો હતો. સ્કોર 101 પર પહોંચ્યો ત્યાં સુધીમાં સુરેશ રૈના, કેદાર જાદવ અને સેમ બિલિંગ્સ આઉટ થઇ ગયા હતા. 15 ઓવર પછી ટીમનો સ્કોર 5 વિકેટે 103 રન હતો અને તે પછીની અંતિમ 5 ઓવરમાં રવિન્દ્ર જાડેજા અને અંબાતી રાયડુ માત્ર 29 રન ઉમેરી શક્યા હતા. રાયડુ 21 બોલમાં 25 રન અને જાડેજા 20 બોલમાં 10 રન કરી નોટઆઉટ રહ્યા હતા. સનરાઇઝર્સના બોલરોઍ સીઍસકેના બેટ્સમેનોને અંકુશમાં રાખ્યા હતા.