હૈદરાબાદ : રવિવારે અહીં રમાયેલી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ડેવિડ વોર્નર અને જાની બેયરસ્ટોની જુગલબંધીના પ્રતાપે કોલકાતા નાઇટ રાઇડર્સને 9 વિકેટે હરાવીને પોઇન્ટ ટેબલમાં ચોથા સ્થાને પહોંચી ગયું હતું. કોલકાતા નાઇટ રાઇડર્સ પ્રથમ દાવ લઇને 20 ઓવરમાં 8 વિકેટના ભોગે 159 રન બનાવ્યા હતા, જેની સામે સનરાઇઝર્સે વોર્નર, બેયરસ્ટોની ઝડપી અર્ધસદીના પ્રતાપે માત્ર 1 વિકેટ ગુમાવીને 15 ઓવરમાં જ મેચ 9 વિકેટે જીતી લીધી હતી. કોલકાતા નાઇટ રાઇડર્સનો આ સતત પાંચમો પરાજય રહ્યો હતો.
160 રનના લક્ષ્યાંક સામે વોર્નર અને બેયરસ્ટોઍ 12.2 ઓવરમાં પહેલી વિકેટ માટે 131 રનની ઝડપી ભાગીદારી કરીને કોલકાતાને મેચમાથી આઉટ કરી દીધું હતું. બંને ઓપનરે 28-28 બોલમાં પોતાની અર્ધસદી પુરી કરી હતી. વોર્નર 38 બોલમાં 67 રન કરીને આઉટ થયો જ્યારે બેયરસ્ટોઍ 43 બોલમા 80 રનની નોટઆઉટ ઇનિંગ રમી હતી.
આ પહેલા કોલકાતાની ટીમે આજે રોબિન ઉથપ્પા, કુલદીપ યાદવ અને પ્રસિદ્ધ કૃષ્ણાને બહાર બેસાડીને તેમના સ્થાને રિંકૂ સિંહ, કેસી કરિયપ્પા અને પૃથ્વી રાજનો સમાવેશ કર્યો હતો. જા કે આ ત્રણ બદલાવો પણ તેમને વિજયના માર્ગે પરત લાવી શક્યા નહોતા. કેન વિલિયમ્સને ટોસ જીતીને ફિલ્ડીંગનો નિર્ણય કર્યા પછી કેકેઆરને ક્રિસ લીન અને સુનિલ નરીને 2.4 ઓવરમાં જ 42 રનની ભાગીદારી કરીને જોરદાર શરૂઆત અપાવી હતી. જા કે તે પછી ખલીલ અહેમદે બે વિકેટ ઉપાડીને યજમાનોને મેચમાં વાપસી કરાવી હતી અને 9મી ઓવરમાં 73 રનના સ્કોર પર કેકેઆરે 4 વિકેટ ગુમાવી દીધી હતી. તે પછી ક્રિસ લીન અને રિંકુ સિંહે 51 રનની ભગીદારી કરીને ટીમના સ્કોરને 100 પાર પહોંચાડ્યો હતો. રિંકુ સિંહ 25 બોલમાં 30 રન કરીને આઉટ થયો અને લીન 47 બોલમાં 51 રન કરીને આઉટ થયો હતો. રસેલ આ વખતે આક્રમક બને તે પહેલા તેને ભુવનેશ્વરે આઉટ કરતા કોલકાતા 159 રન સુધી જ પહોંચી શક્યું હતું.