હૈદરાબાદ : આવતીકાલે અહીં જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે આઇપીઍલનો મુકાબલો રમાશે ત્યારે તેમાં જે જીતશે તેનું પ્લે ઓફમાં સ્થાન પાકું થવાની સંભાવના વધી જશે. બંને ટીમોના 11 મેચમાં 10 પોઇન્ટ છે. આ મેચમાં જોકે બધાની નજર વિસ્ફોટક અોપનર ડેવિડ વોર્નર પર હશે. કારણ તે વર્લ્ડ કપ માટેના અોસ્ટ્રેલિયાની ટીમના પ્રેક્ટિસ સેશનમાં જાડાવા માટે ઓસ્ટ્રેલિયા રવાના થતાં પહેલા હાલની સિઝનની પોતાની અંતિમ ઇનિંગ રમશે અને તે તેને યાદગાર બનાવવા ઇચ્છતો હશે.
બોલ ટેમ્પરિંગ પ્રકરણ પછી સસ્પેન્શન પુરૂ કરીને આઇપીઍલમાં આ સિઝનથી પાછા ફરેલા વોર્નરે હાલની સિઝનમાં અત્યાર સુધી 611 રન કર્યા છે. જ્યારે તેનો ઓપનિંગ પાર્ટનર જોની બેયરસ્ટો 445 રન કર્યા છે અને તે તેના પહેલા ઇંગ્લેન્ડ પરત ફર્યો છે. હવે વોર્નર પણ જતો રહેવાથી અંતિમ બે મેચમાં તેમને ઓપનિંગ પાર્ટનરની સમસ્યા નડશે. અશ્વિનની આગેવાની હેઠળની કિંગ્સ ઇલેવન પંજાબનો પ્રયાસ મહત્વની તકોને પોતાના તરફે ફેરવીને મેચ જીતવાનો રહેશે. ખાસ તો અશ્વિન અને મહંમદ શમીના પડકારને સનરાઇઝર્સ હૈદરાબાદનું મિડલ ઓર્ડર કેવી રીતે પહોંચી વળે તે જાવાનું રહેશે.