નવી દિલ્હી : હિતોના ટકરાવ મામલે ઉઠેલા વિવાદને બીસીસીઆઇઍ સમાધાન યોગ્ય ગણાવતા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકર વિફર્યો છે. હાલની સ્થિતિ મામલે સચિને બીસીસીઆઇના માથે દોષારોપણ કરીને તેને જ જવાબદાર ગણાવ્યું હતું. હિતોના ટકરાવ સંબંધી વિવાદમાં બીસીસીઆઇના લોકપાલ અને નૈતિક અધિકારી ડી કે જૈનને દિગ્ગજ ક્રિકેટર સચિન તેંદુલકરની સાથે જ વીવીઍસ લક્ષ્મણે આઇપીઍલ ફ્રેન્ચાઇઝીના મેન્ટરની સાથે જ બીસીસીઆઇની ક્રિકેટ ઍડવાઇઝરી કમિટી (સીઍસી)ના સભ્ય હોવાને કારણે નોટિસ મોકલાવી હતી.
સીઇઓ રાહુલ જોહરીઍ ફરીયાદી ગુપ્તાને લખેલા પત્રમાં સમાધાન યોગ્ય હિતોના ટકરાવ ગણાવતા સચિન નારાજ
સચિને બીસીસીઆઇ લોકપાલ ડીકે જૈનને ફરી એકવાર 13 મુદ્દામાં પોતાનો જવાબ લખીને મોકલાવ્યો હતો. પોતાના આ જવાબમાં સચિને જસ્ટિસ જૈનને ઍવી વિનંતી કરી છે કે તેઅો વહીવટદારોની સમિતિ (સીઓઍ) અધ્યક્ષ વિનોદ રાય, સીઇઓ રાહુલ જોહરીને બોલાવીને પુછે કે આખરે ક્રિકેટ ઍડવાઇઝરી કમિટી (સીઍસી)માં મારી ભૂમિકા શું છે. ઍ ઉલ્લેખનીય છે કે સચિન પહેલા સૌરવ ગાંગુલી અને વીવીઍસ લક્ષ્મણ પણ લોકપાલે મુકેલા આરોપને નકારી ચુક્યા છે.
લોકપાલને નવેસરથી મોકલાવેલા ૧૬ મુદ્દાના જવાબમાં સચિને સીઓઍ અને સીઇઓને જ સીઍસીની ભૂમિકા પુછવા જણાવ્યું
સચિને લખ્યું છે કે નિવૃત્તિ લીધા પછી 2013થી જ મને મુંબઇ ઇન્ડિયન્સનો આઇકોન બનાવાયો હતો, જે સીઍસી અસ્તિત્વમાં આવી તેના ઘણાં પહેલાથી છે. સચિને આરોપ મુક્યો હતો કે સીઍસીમાં નિયુક્તી માટેની શરતો ન તો સીઇઓ અને ન તો સીઓઍ દ્વારા કયારેય અમને જણાવાઇ છે. અમે ઍ મામલે સ્પષ્ટીકરણ માગ્યુ હતું પણ આજ સુધી કોઇ જવાબ મળ્યો નથી. બીસીસીઆઇને જાણ જ છે કે સીઍસી માત્ર સલાહકારની ભૂમિકા ભજવી શકે છે તેથી મુંબઇ ઇન્ડિયન્સના આઇકન તરીકે હિતોના ટકરાવનો કોઇ મુદ્દો જ ઊભો થતો નથી.
રાહુલ જોહરીઍ સીઓઍની સલાહ અનુસાર ફરિયાદી ગુપ્તાને લખેલા પત્ર સામે સચિનને વાંધો છે, જેમાં જોહરીઍ ગાંગુલીની જેમ સચિનનો મુદ્દો પણ ટ્રેક્ટેબલ કોન્ફલીક્ટ મતલબ કે સમાધાન યોગ્ય હિતોનો ટકરાવ ગણાવ્યો છે. સચિને આરોપને ફગાવી દીધા છે. સચિને 10, 11 અને 12માં પોઇન્ટમાં આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપતા લખ્યું છે કે કોઇપણ પક્ષપાત વગર હું ઍ વાતે નવાઇ જાહેર કરું છું કે સીઍસી સભ્ય બનાવવાનો નિર્ણય બીસીસીઆઇઍ લીધો હતો અને તેઓ જ હવે તેને હિતોનો ટકરાવ ગણાવી રહ્યા છે.