કોલકાતા : રવિવારે રાત્રે અહીંના ઇડન ગાર્ડન્સ મેદાન પર ચોગ્ગા અને છગ્ગા જાણે કે વરસ્યા હતા. કોલકાતાની ઇનિંગ વખતે પહેલા આન્દ્રે રસેલ, ક્રિસ લીન તેમજ શુભમન ગીલે મુબઇ ઇન્ડિયન્સના બોલરોની ઘોલાઇ કરી હતી, તે પછી જ્યારે મુંબઇ ઇન્ડિયન્સનો વારો આવ્યો ત્યારે એકલા હાર્દિક પંડ્યાએ જ કોલકાતા નાઇટ રાઇડર્સના બોલરોની જોરદાર ધોલાઇ કરી હતી. આ મેચમાં કુલ 29 છગ્ગા પડ્યા હતા, જેમાંથી 15 કોલકાતા નાઇટ રાઇડર્સ તરફથી હતા તો 14 મુંબઇ ઇન્ડિયન્સ વતી ફટકારાયા હતા.
હાર્દિક પંડ્યાએ વિસ્ફોટક ઇનિંગ રમીને મુંબઇની જીતની સંભાવના ઊભી કરી હતી.તેણે માત્ર 34 બોલમાં 6 ચોગ્ગા અને 9 છગ્ગાની મદદથી 91 રન કર્યા હતા. મેચ પછી હાર્દિકે કહ્યું હતું કે જ્યારે ટારગેટ મોટો હોય ત્યારે વિચારવાનો સમય નથી હોતો, હું સદીની નજીક પહોંચ્યો ત્યારે મે કૃણાલને કહ્યું હતું કે હું સદીની નજીક છું મારા માટે એ નવી વાત છે. પરિસ્થિતિની માગ એવી હતી કે હું આક્રમકતાથી જ બેટિંગ કરતો રહું. નસીબ મારી સાથે હતું, માત્ર જે બોલે હું આઉટ થયો તે બોલ જ યોજના અનુસાર રહ્યો નહોતો.
તેણે કહ્યું હતું કે હું જાણતો હતો કે પોલાર્ડ ત્યાં છે, મારી પાસે સેટ થવાનો સમય નહોતો. મારે બસ પોતાના પર વિશ્વાસ રાખીને મારી રમતનો આનંદ માણવાનો હતો. તેણે કહ્યું હતું કે માત્ર એક બેટ્સમેન સતત મોટા ફટકા મારતો રહે તે સરળ નથી હોતું, જો કૃણાલ પણ થોડા મોટો ફટકા મારી શક્યો હોત તો મેચમાં અમારી સ્થિતિ અલગ રહી હોત.