દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર છે, જ્યાં યજમાન ટીમ સામે 3 મેચની T20 શ્રેણી રમ્યા બાદ હવે તે એટલી જ મેચોની ODI શ્રેણી રમી રહી છે. આફ્રિકન મહિલા ટીમને શ્રેણીની પ્રથમ મેચમાં 8 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે તેણે શાનદાર વાપસી કરી અને બીજી મેચ 80 રનથી જીતી લીધી. આ ઉપરાંત આફ્રિકન મહિલા ટીમની ODI ઇતિહાસમાં ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ સામે પ્રથમ જીત છે. વરસાદના કારણે બંને ટીમો વચ્ચેની આ મેચ 45-45 ઓવરની રમાઈ હતી.
મારિજાન કેપે બોલ સાથે મહત્વની ભૂમિકા ભજવી હતી, સાથી બોલરોએ પણ તેને ટેકો આપ્યો
શ્રેણીની બીજી વનડે મેચમાં દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમે પ્રથમ બેટિંગ કરતા 45 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 229 રન બનાવ્યા હતા. આ પછી લક્ષ્યનો પીછો કરવા આવેલી ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી જેમાં તેણે 22ના સ્કોર પર એલિસા હીલી અને બેથ મૂની બંનેની વિકેટ ગુમાવી દીધી. 58ના સ્કોર સુધીમાં ઓસ્ટ્રેલિયા મહિલા ટીમની અડધી ખેલાડીઓ પેવેલિયન પરત ફરી ગઈ હતી. આવી સ્થિતિમાં તેના માટે મેચમાં વાપસી કરવી ઘણી મુશ્કેલ બની ગઈ હતી. ઓસ્ટ્રેલિયા મહિલા ટીમ માટે આ ઇનિંગમાં કિમ ગાર્થે સૌથી વધુ 42 રનની ઇનિંગ રમી હતી. આખી ટીમ 29.3 ઓવરમાં 149 રન પર જ સિમિત થઈ ગઈ હતી. દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમ માટે, મેરિજેન કેપે આ મેચમાં 3 વિકેટ લીધી હતી, જ્યારે આયાન્ડા હલુબી, એલિસ મેરી માર્ક્સ, નાદિન ડી ક્લાર્ક અને ક્લો ટ્રોયને 2-2 વિકેટ લીધી હતી.
અઢી વર્ષ બાદ ઘરઆંગણે વનડે મેચમાં હાર
ઓસ્ટ્રેલિયા મહિલા ટીમની અઢી વર્ષ બાદ ઘરઆંગણે વનડે મેચમાં આ પ્રથમ હાર છે. આ પહેલા સપ્ટેમ્બર 2021માં ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમને ઘરઆંગણે હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે ભારતીય મહિલા ટીમે તેને 2 વિકેટે પરાજય આપ્યો હતો. ત્યારથી, તેણીએ સતત 10 ODI મેચ જીતી હતી. તમને જણાવી દઈએ કે આ પહેલા સાઉથ આફ્રિકા મહિલા ટીમે ટી20 સિરીઝની બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાને 6 વિકેટથી હરાવ્યું હતું, જે કોઈપણ ફોર્મેટમાં તેની પ્રથમ જીત હતી.