માલીની મહિલા ક્રિકેટ ટીમના નામે વધુ એક અણગમતો રેકોર્ડ નોંધાયો છે. તાજેતરમાં જ રવાન્ડા સામેની ટી-20 ઇન્ટરનેશનલમાં માત્ર 6 રને ઓલઆઉટ થયેલી માલીની ટીમની બોલરોએ પહેલા યુગાન્ડા સામે 314 રન આપી દીધા અને તે પછી તેમની આખી ટીમ માત્ર 10 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી અને આ મેચ તેઓ 304 રનના્ વિશાળ માર્જીનથી હારી ગયા હતા.
રવાન્ડાના પાટનગર કિગાલી ખાતે રમાતી કિબુકા મહિલા ટી-20 ટુર્નામેન્ટમાં ગુરૂવારે માલી સામે ટોસ જીતીને યુગાન્ડાએ પહેલા દાવ લઇને 20 ઓવરમાં બે વિકેટે 314 રન કરીને ઇતિહાસ રચ્યો હતો. યુગાન્ડા વતી પ્રોસકોવિયા અલાકોએ 71 બોલમાં 116 અને રીટા મુસામાલીએ 61 બોલમાં 103 રન કર્યા હતા. માલીની ખરાબ બોલિંગનો અંદાજ એના પરથી આવી જાય છે કે તેમણે મેચ દરમિયાન 60 વધારાના રન આપ્યા હતા, જેમાંથી 30 નો બોલ અને 28 વાઇડ બોલનો સમાવેશ થાય છે. માલીની બોલર ઓમોઉ સોઉએ ટી-20 ઇન્ટરનેશનલની સૌથી ખરાબ બોલિંગનો રેકોર્ડ કરીને માત્ર 3 ઓવરમાં 82 રન આપી દીધા હતા.
314 રનના વિશાળ સ્કોરની સામે માલીની ટીમ 11.1 ઓવરમાં 10 રનમાં તંબુભેગી થઇ હતી. માલીની છ ખેલાડી શૂન્ય રને આઉટ થઇ હતી. માલીની ટી કોનેટોએ સર્વાધિક 4 રન કર્યા હતા.યુગાન્ડાની 7માંથી 5 ખેલાડીઓએ ઓછામાં ઓછી 1 વિકેટ મેળવી હતી.
યુગાન્ડાની મહિલા ટીમે ટી-20 ઇતિહાસનો સૌથી મોટો સ્કોર કરી, સૌથી મોટો વિજય પણ મેળવ્યો
યુગાન્ડાની મહિલા ટીમે ટી-20 ઇન્ટરનેશનલમાં 314 રન વિંઝી દઇને પુરૂષ અને મહિલા બંનેમાં કોઇ પણ ટીમ દ્વારા કરાયેલો આ સૌથી મોટો સ્કોરનો રેકોર્ડ બનાવ્યો હતો. આ સાથે જ તેમણે માલીને 10 રનમાં ઓલઆઉટ કરીને ટી-20 ક્રિકેટના પુરૂષ અને મહિલા બંનેના ઇતિહાસનો સૌથી મોટો વિજય મેળવ્યો હતો. યુગાન્ડાની ટીમ આ મેચ 304 રને જીતી હતી. આ પહેલા આ રેકોર્ડ યુએઇના નામે હતો જેણે આ વર્ષે જ જાન્યુઆરીમાં ચીનને 14 રનમાં ઓલઆઉટ કરીને 189 રને વિજય મેળવ્યો હતો. પુરૂષ ટી-20 ક્રિકેટમાં આ રેકોર્ડ શ્રીલંકાના નામે છે, જેણે 2007માં કેન્યા સામે 172 રને વિજય મેળવ્યો હતો.