પણજી : માજી ભારતીય કેપ્ટન અને મુખ્ય પસંદગીકાર રહી ચુકેલા દિલીપ વેંગસરકરનું માનવું છે કે વિરાટ કોહલીને તેના આઇપીએલના પ્રદર્શનના આધારે પારખવો યોગ્ય નથી. વિરાટ કોહલીની આગેવાની હેઠળની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આઇપીએલની 12મી એડિશનમાં સતત 6 મેચ હારી ચુકી છે અને હજુ સુધી તેનું જીતનું ખાતું ખુલ્યું નથી. વેંગસરકરે એક અંગ્રેજી અખબાર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે આઇપીએલમાં પ્રદર્શન કોઇપણ ખેલાડી બાબતે મત બનાવી લેવાનું યોગ્ય નહીં ગણાય. વિરાટ શાનદાર ફોર્મમાં છે અને તે દિગ્ગજ બેટ્સમેનોમાંથી એક છે. કેપ્ટન તરીકે તે સતત પોતાની જાતને નિખારી રહ્યો છે.
ગોવા આવેલા આ માજી ખેલાડીએ કહ્યું હતું કે વિરાટે ટેસ્ટ અને વનડેમાં પણ જોરદાર પ્રદર્શન કર્યું છે. આ પહેલા વિરાટની કેપ્ટનશિપમાં ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની વનડે અને ટી-20 સિરીઝમાં હાર વેઠવી પડી હતી. વર્લ્ડ કપ બાબતે વેંગસરકરે કહ્યું હતું કે ભારત પાસે અંતિમ-4માં પહોંચવાની તક છે. આપણી પાસે સર્વશ્રેષ્ઠ બોલિંગ આક્રમણ છે. જો આપણે પાછલી ટીમોના બોલિંગ આક્રમણ અંગે સરખામણી કરીશું તો તેના કરતાં આ આક્રમણ વધુ સારું છે અને તેના કારણે જ આપણે સૌ આશા રાખીએ છીએ. તેંમણે કહ્યું હતું કે જ્યારે પણ ભારતીય ટીમનું પ્રદર્શન ખરાબ રહ્યું ત્યારે તે અંતિમ 10 ઓવરોને કારણે રહ્યું છે. જો કે હવે બુમરાહ અને અન્ય બોલરોને કારણે એ વાત જૂની લાગે છે.
સાથે જ તેમણે એવું ઉમેર્યું હતું કે એક ટૂર્નામેન્ટમાં માત્ર વિરાટ કે રોહિત શર્માના ભરોસે ન જઇ શકાય. તેમના મતે નંબર ચાર માટે કેએલ રાહુલ અને અજિંકેય રહાણે સારા વિકલ્પ બની શકે છે. સાથે જ મયંક અગ્રવાલ પણ છે, જેણે ઓસ્ટ્રેલિયમાં ઓસ્ટ્રેલિયા સામે સારું પ્રદર્શન કર્યું છે.