નવી દિલ્હી : વિકેટ પાછળની પોતાની કોમેન્ટને કારણે જાણીતા યુવા વિકેટકીપર ઋષભ પંતે આઇપીએલની 12મી સિઝનમાં શનિવારે કોલકાતા નાઇટ રાઇડર્સ સામેની મેચ દરમિયાન કરેલી એક કોમેન્ટને કારણે આઇપીએલમાં ફિક્સીંગની વાતને ફરી એકવાર હવા મળી છે. તેમાં પણ આ કોમેન્ટનો વીડિયો જોડીને આઇપીએલના માજી કમિશનર લલિત મોદીએ કરેલા ટિ્વટે આ તણખાને વધુ ભડકાવ્યો છે. દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચેની એ મેચમાં કોલકાતાની ઇનિંગની ચોથી ઓવરના પાંચમા બોલે પંત વિકેટ પાછળથી એવું બોલતો સંભળાય છે કે ‘યે તો વૈસે ભી ચૌકા હૈ’ જોગાનુજોગ બેટિંગ કરી રહેલો ઉથપ્પા એ બોલે ચોગ્ગો ફટકારે છે. પંતે કરેલી આ કોમેન્ટ સ્ટમ્પ માઇક વડે બધાને સંભળાઇ હતી અને તેના કારણે વિવાદ સર્જાયો હતો.
લલિત મોદી ટીપ્પણી, શું આ મજાક છે
લલિત મોદીએ પોતાના સત્તાવાર ટિ્વટર હેન્ડલ પરથી એક ટિ્વટ કર્યું હતું, જેમાં તેમણે લખ્યું હતું કે શું આ મજાક છે. તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. મેચ ફિક્સીંગનું લેવલ ઉપલી સપાટીએ પહોંચી ગયું છે. તેમણે બીસીસીઆઇના એક ટોચના અધિકારી પર કટાક્ષ કરતાં લખ્યું હતું કે ક્યારે જશો. પોતાના ટિ્વટમાં લલિત મોદીએ વધુમાં લખ્યું છે કે એ ખુબ જ શરમજનક છે કે ક્રિકેટ અધિકારીઓને આ બાબતે કોઇ ચિંતા નથી. લલિત મોદીએ પોતાના ટિ્વટ સાથે શનિવારની એ મેચનો વીડિયો પણ જોડ્યો છે. જેમાં પંતની કોમેન્ટ સાંભળવા મળે છે.
બીસીસીઆઇએ આપી આવી પ્રતિક્રિયા
બીસીસીઆઇ દ્વારા સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ઋષભ પંતની કોમેન્ટવાળા વીડિયો અંગે પહેલાથી જ પોતાની પ્રતિક્રિયા આપી દીધી હતી. બોર્ડના એક અધિકારીએ કહ્યું હતું કે પંતે બોલેલા એ વાક્ય પહેલા શું કહ્યું તે કોઇએ સાંભળ્યું નથી. તે કેપ્ટન ઐય્યરને ઓફ સાઇડ પર ફિલ્ડર વધારવા કહેતો હતો કે જેથી ચોગ્ગો બચાવી શકાય, પણ કમનસીબે સોશિયલ મીડિયા પર એક અધુરી ક્લિપ મુકીને વિવાદ ભડકાવાયો છે.