ભારતીય ટીમનો ઓપનર શિખર ધવન વર્લ્ડ કપમાંથી આઉટ થયા પછી, ઝડપી બોલર ભુવનેશ્વર કુમારના પગના સ્નાયું ખેંચાઇ ગયા હતા અને તે ફિટ થયો ત્યાં હવે ટીમ ઇન્ડિયાના ઘાયલ ખેલાડીઓની યાદીમાં વધુ એકનો ઉમેરો થયો છે. ઓલરાઉન્ડર વિજય શંકર પગમાં થયેલી ઇજાને કારણે વર્લ્ડ કપમાંથી આઉટ થઇ ગયો છે. વિજય શંકરને નેટ્સમાં જસપ્રીત બુમરાહનો બોલ પગના અંગુઠામાં વાગ્યો હતો. શરૂઆતમાં આ ઇજા ગંભીર લાગતી નહોતી પણહવે તે ગંભીર હોવાનું જાહેર થયું છે.
ઘાયલ હોવાને કારણે શંકર ઇંગ્લેન્ડ સામે રવિવારે રમી શક્યો નહોતો અને તેના સ્થાને મેચમાં યુવા વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતનો સમાવેશ કરાયો હતો. શંકર હાલની ટુર્નામેન્ટમાંથી આઉટ થનારો બીજો ભારતીય ખેલાડી છે. તેના પહેલા શિખર ધવન હાથના અંગુઠાની ઇજાને કારણે ટીમમાંથી આઉટ થઇ ચુક્યો છે.