ન્યૂયોર્ક : ભારતીય ટીમના માજી ઓપનર અને પસંદગી સમિતિના માજી અધ્યક્ષ ક્રિષ્ણામાચારી શ્રીકાંતે કહ્યું હતું કે ભારતીય ટીમનો હાલનો કેપ્ટન વિરાટ કોહલી ક્યારેય જવાબદારીથી ભાગતો નથી, જે એક સારા વ્યકિતના લક્ષણ છે અને તે મહેન્દ્ર સિંહ ધોનીની સાથે મળીને ભારતને વર્લ્ડ કપ જીતાડી શકે છે. ભારતની 1983ની વર્લ્ડ ચેમ્પિયન ટીમના મહત્વના સભ્ય એવો શ્રીકાંત 2011માં પસંદગી સમિતિનો અધ્યક્ષ હતો અને તે સમયે ભારતીય ટીમે 28 વર્ષ પછી વર્લ્ડ કપ જીત્યો હતો. શ્રીકાંતનું માનવું છે કે કોહલીની આક્રમકતા અને મહેન્દ્ર સિંહ ધોનીનું શાંતચિત્ત વલણ ભારતને ફરી એકવાર વર્લ્ડ કપ જીતાડી શકે છે.
શ્રીકાંતે કહ્યું હતું કે આપણી પાસે વિરાટ કોહલીના રૂપમાં એક જોરદાર કેપ્ટન છે, જે દરેક મોરચે આગાવાની સંભાળે છે., તેના માટે સારી વાત એ છે કે તે જવાબદારી સ્વીકારે છે. તેણે કહ્યું હતું કે કિંગ કોહલી અને કુલ ધોની મળીને ભારતને વિશ્વવિજેતા બનાવી શકે છે. શ્રીકાંતે વર્લ્ડ કપ માટે પસંદ કરાયેલી 15 સભ્યોની ટીમ અંગે ખુશી વ્યક્ત કરતાં કહ્યું હતું કે આ ટીમ વર્લ્ડ ચેમ્પિયન બનવાની ત્રેવડ ધરાવે છે. ભારતીય ટીમે કોઇ પણ પ્રેશરને વશ ખયા વગર પોતાના પર વિશ્વાસ રાખીને રમવું જોઇએ એવું તેણે ઉમેર્યું હતું.