ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન બન્યા પછી વિરાટ કોહલી એક પછી એક નવા ઇતિહાસ રચતો જઇ રહ્યો છે. ભારતીય ટીમે અહીં વેસ્ટઇન્ડિઝ સામે વિજય મેળવ્યો તેની સાથે હવે તેણે ટેસ્ટ ક્રિકેટમાં એક નવી ગાથા લખીને ભારત વતી સર્વાધિક ટેસ્ટ વિજય મેળવવા મામલે મહેન્દ્ર સિંહ ધોનીની બરોબરી કરી લીધી છે. સાથે જ વિદેશમાં જીત મેળવવા મામલે માજી કેપ્ટન સૌરવ ગાંગુલીને ઓવરટેક કર્યો હતો.
કોહલીની કેપ્ટન તરીકે આ 27મી જીત રહી હતી અને તે ટેસ્ટ વિજયની દૃષ્ટિએ ધોનીની બરોબરીએ બેઠો હતો. જો કે કોહલી એક રીતે જોઇએ તો તેમાં પણ ધોનીથી આગળ નીકળી ગયો હતો. કોહલીએ કેપ્ટન તરીકેની પોતાની 47મી ટેસ્ટમાં 27મો વિજય મેળવ્યો છે. જ્યારે ધોનીએ 60 ટેસ્ટમાં આટલી જીત મેળવી હતી. વિદેશમાં જીત મેળવવા મામલે તેણે 12 ટેસ્ટ વિજય સાથે ગાંગુલીને ઓવરટેક કર્યો હતો. વિરાટે વિદેશની ધરતી પર કેપ્ટન તરીકે 26 ટેસ્ટમાંથી 12 ટેસ્ટ જીતી છે, જ્યારે ગાંગુલીએ વિદેશમાં 28માંથી 11 ટેસ્ટ જીતી હતી. આ યાદીમાં ધોની ત્રીજા ક્રમે છે જેણે 30 ટેસ્ટમાંથી 6 જીતી છે.
ભારત વતી કેપ્ટન તરીકે સર્વાધિક જીત મેળવનારા કેપ્ટન
કેપ્ટન મેચ જીત
વિરાટ કોહલી 47 27
એમએસ ધોની 60 27
સૌરવ ગાંગુલી 49 21
મહંમદ અઝહરુદ્દિન 47 14
વિદેશની ધરતી પર સૌથી સફળ ભારતીય કેપ્ટન
કેપ્ટન મેચ જીત
વિરાટ કોહલી 26 12
સૌરવ ગાંગુલી 28 11
એમએસ ધોની 30 06
રાહુલ દ્રવિડ 17 05