ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ આજે અહીં રમાયેલી બીજી વન-ડેમા વેસ્ટઇન્ડિઝ વિરુદ્ધ સર્વાધિક રન કરનારો બેટ્સમેન બન્યો હતો. વિરાટ કોહલીએ આજે અહીં જેવા પોતાની ઇનિંગના 19 રન પુરા કર્યા તેની સાથે જ તેણે પાકિસ્તાની ટીમના માજી કેપ્ટન જાવેદ મિયાદાદનો 26 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો. સાથે જ તેણે પોતાની વન-ડે કેરિયરની 42મી સદી ફટકારીને વન-ડેમાં સર્વાધિક રન કરનારાઓની યાદીમાં સૌરવ ગાંગુલીને ઓવરટેક કરીને 11406 રન સાથે 8માં સ્થાને પહોંચી ગયો હતો.
મિયાંદાદે 64 વન-ડે ઇનિંગમાં 1930 રન કર્યા હતા અને તે વેસ્ટઇન્ડિઝ સામે પોતાની અંતિમ મેચ 1993માં રમ્યો હતો. વિરાટે આજની મેચ પહેલા વેસ્ટઇન્ડિઝ સામેની 33 ઇનિંગમાં 1912 રન બનાવ્યા હતા અને તેને આજની મેચમાં મિયાંદાદનો રેકોર્ડ તોડવા માટે માત્ર 19 રનની જરૂર હતી. વિરાટ કોહલીએ જેવા 19 રન પુરા કર્યા તેની સાથે જ તેણે મિયાંદાદનો 26 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો અને તેના માટે તેણે મિયાંદાદ કરતાં 30 ઇનિંગ ઓછી લીધી હતી. આજની ઇનિંગ સાથે કોહલીએ વેસ્ટઇન્ડિઝ સામે 2032 રન કરી લીધા છે. વિરાટે વેસ્ટઇન્ડિઝ સામે આ સ્કોર કરવામાં 8 સદી અને 10 અર્ધસદી ફટકારી છે. જ્યારે મિયાંદાદે 12 અર્ધસદી અને એક સદી ફટકારી છે.
વેસ્ટઇન્ડિઝ સામે સર્વાધિક રન કનારા ખેલાડીઓ
ખેલાડી દેશ ઇનિંગ રન સદી
વિરાટ કોહલી ભારત 34 2032 8
જાવેદ મિયાંદાદ પાકિસ્તાન 64 1930 1
માર્ક વો ઓસ્ટ્રેલિયા 45 1708 3
જેક કાલિસ દ.આફ્રિકા 40 1666 4
રમીઝ રાજા પાકિસ્તાન 53 1624 2
સચિન તેંદુલકર ભારત 39 1573 4