દક્ષિણ આફ્રિકા સામેની મેચ 6 વિકેટે જીત્યા પછીની પ્રેસ કોન્ફરન્સમાં વિરાટ કોહલીએ રોહિત શર્માની બેટિંગના વખાણ કરતા કહ્યું હતું કે, આ તેના કેરિયરની સર્વશ્રેષ્ઠ ઇનિંગ્સ હતી. રોહિત શર્માએ એન્કર ઇનિંગ્સ રમતા 144 બોલમાં 13 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી નોટઆઉટ 122 રન કર્યા હતા. શિખર ધવન અને વિરાટ કોહલીની વિકેટ સસ્તામાં ગુમાવ્યા છતા તેની ઇનિંગ્સ થકી ટીમ ઇન્ડિયાએ સરળતાથી મેચ જીતી હતી.
કોહલીએ કહ્યું કે અમારે પહેલી મેચ માટે ઘણી રાહ જોવી પડી અને ત્યારબાદ આ પ્રકારની મેચ રમ્યા.મેચ શરૂથી અંત સુધી પડકારરૂપ બની રહી. અમારા માટે જીતની શરૂઆત કરવી મહત્વપૂર્ણ હતી. આ મેચ પડકારરૂપ રહી અને હું રોહિતની આગળ નતમસ્તક છું. જો અમે ટોસ જીત્યા હોય તો અમે પહેલાં બોલિંગ જ કરી હોત. પરિસ્થિતિઓ ત્યારે બોલર્સને અનુકૂળ હતી અને સાઉથ આફ્રિકા 2 હાર બાદ આ મેચમાં ઉતર્યું. જસપ્રીત બુમરાહ હંમેશા અલગ રીતે જ બોલિંગ કરે છે. બેટસમેન હંમેશા તેની સામે દબાણ મહેસૂસ કરે છે. ચહલે બેજોડ બોલિંગ કરી. બુમરાહે જે રીતે અમલાને આઉટ કર્યો તે લાજવાબ હતું. મેં અમલાને આ રીતે સ્લિપમાં કેચ આપી આઉટ થતાં જોયો નથી. ક્વિંટન ડિ કોકની વિકેટ પણ શાનદાર હતી. રોહિતની ઇનિંગ્સ ખાસ હતી.
રોહિત જયારે બેટિંગ કરી રહ્યો હતો ત્યારે કોઈ પણ ક્ષણે એવું ન લાગ્યું હતું કે તે આઉટ થઇ જશે. તેણે અનુભવ દેખાડતા ખૂબ જ સારી રીતે ટાર્ગેટ ચેઝ કરવા માટે ઇનિંગ્સ બિલ્ડ કરી હતી. મારા મતે આ તેના કરિયરની શ્રેષ્ઠ ઇનિંગ્સ છે. ક્યારેક નાના ટાર્ગેટ હેરાન કરી શકે છે, પરંતુ રોહિતે જોરદાર બેટિંગ કરી હતી અને રિસ્ક ફ્રી રન ફટકાર્યા હતા. રાહુલ અને ધોનીએ પણ સારું યોગદાન આપ્યું હતું, જયારે હાર્દિકે પોતાની સ્ટાઇલમાં મેચ ફિનિશ કરી હતી.
ગયા વર્ષે દક્ષિણ આફ્રિકા કુલદીપ-ચહલ સામે બેટિંગ કરવામાં તકલીફ થઇ હતી, તે લીધે અમે બંનેને પ્લેઈંગ 11માં રમાડ્યા હતા. કુલદીપે એક બાજુથી રનગતિ રોકી રાખી હતી, જયારે ચહલે વિવિધતા સાથે શાનદાર સ્પેલ નાખ્યો હતો. ચહલનો પોતાની બોલિંગ પર આત્મવિશ્વાસ તેની સૌથી મોટી તાકત છે. આજે તેણે એક ઓવરમાં 2 વિકેટ લઈને મેચનું રૂપ બદલી નાખ્યું હતું.