વેસ્ટઇન્ડિઝ સામે મંગળવારે રમાયેલી ત્રીજી ટી-20 મેચમાં ચાહર બંધુઓએ બોલિંગમાં જોરદાર પ્રદર્શન કર્યુ તેનાથી ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ બંને ભાઇઓની પ્રશંસા કરી હતી. વિરાટે કહ્યું હતું કે રાહુલની આ પહેલી મેચ હતી પણ તેણે નવા બોલ વડે પણ સારી બોલિંગ કરી બતાવી જયારે દીપકે જોરદાર સ્વિંગ બોલિંગ પ્રદર્શન કર્યું. તેણે એવું કહ્યું હતું કે નવા બોલથી દીપક ચાહર બીજો ભુવનેશ્વર છે.
દીપક ચાહરને એક વર્ષ પછી ટી-20 રમવાનો મોકો મળ્યો અને તેણે પોતાને મળેલી તકનો પુરતો ફાયદો ઉઠાવ્યો. કોહલીએ કહ્યું હતું કે દીપક ચાહર ભુવનેશ્વર સાથે ઘણી સમાનતા ધરાવે છે. નવા બોલ સાથે તેની ક્ષમતા સ્પષ્ટ જણાઇ આવી. આઇપીએલમાં પણ આ જ તેની યુએસપી હતી. મંગળવારે રમાયેલી એ મેચમાં દીપક ચાહરે 3 ઓવરમાં 4 રન આપીને કુલ 3 વિકેટ ઉપાડી હતી, જ્યારે રાહુલ ચાહરે 27 રન આપીને એક વિકેટ ઉપાડી હતી. કોહલીએ કહ્યું હતું કે ભુવનેશ્વર કુશળ બોલર છે પણ આજે હું દીપકની બોલિંગથી વધુ પ્રભાવિત થયો છું.