અહીંના સબીના પાર્ક ખાતે બીજી ટેસ્ટના બીજા દિવસે શનિવારે જસપ્રીત બુમરાહે હેટ્રિક ઉપાડીને ઇતિહાસના પાના પર પોતાનું નામ નોંધાવ્યું હતું . જો કે જ્યારે પણ આ હેટ્રિકના વાત કરવામાં આવશે ત્યારે તેમાં વિરાટ કોહલીના નામનો ઉલ્લેખ ચોક્કસ કરવામાં આવશે. બુમરાહે બે વિકેટ ઉપાડી તે પછી ત્રીજી વિકેટ તેને ડીઆરએસના કારણે મળી હતી. બુમરાહે ડીઆરએસ લેવાનું નકાર્યું હતુ, કારણ તેને લાગતું હતું કે બોલ પહેલા બેટ પર લાગ્યો છે, જો કે વિરાટ કોહલીએ જીદ કરીને ડીઆરએસ લીધું હતુ અને તેમાં તેને એ વિકેટ મળી હતી. બીજા દિવસની રમતના અંતે બુમરાહે પણ એવું સ્વીકાર્યું હતું કે તેને આ હેટ્રિક વિરાટ કોહલીને કારણે મળી છે.
ભારત વતી પહેલી હેટ્રિક ઉપાડનાર ઓફ સ્પિનર હરભજન સિંહે એવું કહ્યું હતું કે બુમરાહ આ હેટ્રિક માટે હંમેશા વિરાટ કોહલીનો ઋણી રહેશે. તેણે કહ્યું હતું કે જે રીતે 18 વર્ષ પહેલા સદાગોપન રમેશે એક અવિશ્વસનીય કેચ ઝડપીને મારી હેટ્રિક પુરી કરાવી અને હું હંમેશ માટે તેનો આભારી થયો તે રીતે બુમરાહ વિરાટનો આભારી રહેશે.