વેસ્ટઇન્ડિઝ સામેની પહેલી ટેસ્ટમાં વિજય મેળવ્યા પછી ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું હતું કે મને ખબર જ છે કે ટેસ્ટ માટે પસંદ કરાયેલી અંતિમ ઇલેવન મામલે ગંભીર ચર્ચા થઇ શકે છે, પણ તમામ નિર્ણય ટીમના હિતને ધ્યાને લઇને કરવામાં આવે છે. જરૂરી નથી કે વિચારોમાં સમાનતા હોય. આ ટેસ્ટમાં દિગ્ગજ ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનને સ્થાને રવિન્દ્ર જાડેજાના સમાવેશને માજી કેપ્ટન સુનિલ ગાવસ્કરે આશ્ચર્યચકિત કરનારો ગણાવ્યો હતો.
ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ટીમના ઝડપી બોલર જસપ્રીત બુમરાહની પ્રશંસા કરતાં કહ્યું હતું કે ટેસ્ટ ચેમ્પિયનશિપમાં તે ભારત માટે મહત્વનો પુરવાર થશે, સાથે જ કોહલીએ ટેસ્ટની બંને ઇનિંગમાં જોરદાર બેટિંગ કરનારા અજિંકેય રહાણેની પણ પ્રશંસા કરી હતી અને ઇશાંત શર્મા અને મહંમદ શમીને પણ વખાણ્યા હતા.
કોહલીએ કહ્યું હતું કે છેલ્લીવાર અમે વેસ્ટઇન્ડિઝમાં રમ્યા ત્યારે અમારા માટે પરિણામ સારા જ રહ્યા હતા, તેણે કહ્યું હતું કે ટેસ્ટ ચેમ્પિયનશિપની દૃષ્ટિએ જોઇતો ટીમ માટે જસપ્રીત બુમરાહ હુકમનો એક્કો સાબિત થશે. સાથે જ તેણે એવું કહ્યું હતું કે ઇશાંત, શમી અને બુમરાહે એક બોલિંગ યુનિટ તરીકે ઘણી સારી બોલિંગ કરી રહ્યા છે. તેણે પહેલી ઇનિંગમાં 81 અને બીજી ઇનિંગમાં 102 રન કરનારા અજિંકેય રહાણેની પ્રશંસા કરતા કહ્યું હતું કે તેણે બંને દાવમાં સારી ઇનિંગ રમી છે.