વેસ્ટઇન્ડિઝના પ્રવાસે રવાના થતાં પહેલા ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી પ્રેસ કોન્ફરન્સ કરશે કે નહીં તે મામલે થોડી અવઢવની સ્થિતિ રવિવારે સર્જાઇ હતી. પહેલા ઍવું કહેવાયું હતું કે ટીમની ઍકજૂથતાને ધ્યાને લઇને કોહલી આ પ્રેસ કોન્ફરન્સ નહીં કરે, જો કે મોડી સાંજે બીસીસીઆઇઍ ઍવું જાહેર કરી દીધું હતું કે વિદેશ પ્રવાસે રવાના થતાં પહેલા પ્રેસ કોન્ફરન્સ કરવાની પરંપરા જળવાશે અને કોહલી આ પ્રેસ કોન્ફરન્સ કરશે.
પહેલા જ્યારે કેપ્ટનની કોન્ફરન્સ નહીં થાય તેવી વાત કરવામાં આવી ત્યારે એવું માનવામાં આવ્યું હતું કે ટીમમમાં જૂથવાદ અને રોહિત શર્મા સાથેના તેના વિખવાદના સવાલોને ટાળવાના ઇરાદાથી વિરાટ કોહલીએ આ પ્રેસ કોન્ફરન્સ નહીં કરવાનો નિર્ણય કર્યો હશે. બીસીસીઆઇના મુંબઇ સ્થિત ક્રિકેટ સેન્ટરમાં સોમવારે વિરાટ કોહલી ફલોરિડા જવા રવાના થતાં પહેલા પત્રકારો સાથે વાર્તાલાપ કરશે. ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડિઝ સામે ફલોરિડામાં 3 અને 4 ઓગસ્ટે બે ટી-20 રમશે.