બેંગલુરૂ : આઇપીઍલમાં પોતાની શરૂઆતની ચાર મેચ ગુમાવ્યા પછી પ્રથમ વિજયની શોધમાં આવતીકાલે શુક્રવારે જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ અહીં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે મેદાને ઉતરશે ત્યારે તેમની ટીમમાં મોટા ફેરફાર જોવા મળે તેવી સંભાવના છે. હાલની સિઝનમાં આરસીબીનું પ્રદર્શન બોલિંગ અને બેટિંગ બંને પાસામાં નિરાસાજનક રહ્યું છે, કેપ્ટન વિરાટ કોહલીઍ જાતે ઍવું સ્વીકાર્યુ હતું કે તેની સંઘર્ષરત ટીમ હજુ સંતુલન બનાવી શકી નથી પણ તે છતાં સંયોજનમાં પ્રયોગ ચાલું જ રહેશે.
આરસીબીઍ આ પહેલા છેલ્લે મે ૨૦૧૬માં કેકેઆર સામે ઇડન ગાર્ડન્સમાં વિજય મેળવ્યો હતો. આ બંને ટીમ વચ્ચે ઍમ ચિન્ના સ્વામી સ્ટેડિયમ પર જે છેલ્લી ત્રણ મેચ રમાઇ છે તેમાં આરસીબીનો પરાજય થયો છે. આરસીબી માટે બેટિંગનું પતન મુખ્ય ચિંતાનો વિષય છે. કેપ્ટન કોહલી પોતાની જે ખ્યાતી છે તે અનુસાર પ્રદર્શન કરી શક્યો નથી. ઍબી ડિવિલિયર્સનું પણ ઍવું જ છે. સતત ત્રણ મેચમાં ટોપ અોર્ડરના બેટ્સમેન નિષ્ફળ ગયા હોવાથી આવતીકાલની મેચમાં બેટિંગક્રમમાં મોટા ફેરફાર જાવા મળી શકે છે.
બોલિંગમાં પણ આરસીબીનું પ્રદર્શન સાવ કંગાળ રહ્યું છે. ઍકમાત્ર યજુવેન્દ્ર ચહલને બાદ કરતાં અન્ય કોઇ બોલર તેની પાસે રખાતી અપેક્ષાને સંતોષી શક્યા નથી. કેકેઆરના નીતિશ રાણા, આન્દ્રે રસેલ, રોબિન ઉથપ્પા તેમજ શુભમન ગીલ ફોર્મમાં છે. રસેલના પાવર હિટીંગ સામે કોઇ બોલર ટકી શક્યા નથી. ત્યારે ચહલ અને તેના સાથી બોલરો સામે ખાસ તો રસેલ અને નીતિશ રાણાને રોકવાનો મુખ્ય પડકાર હશે.