અત્યાર સુધી એવું હતું કે ભારતીય ટીમનો પરાજય થાય તો ભારતીય ક્રિકેટ ચાહકો આ મામલે ભારતીય ટીમની ટીકા કરતાં રહ્યા છે. પણ એવુ પહેલીવાર બન્યું છે કે જેમાં ભારતીય ટીમનો પરાજય થયો અને પાકિસ્તાની મીડિયા અને માજી પાકિસ્તાની ક્રિકેટરોએ ટીમ ઇન્ડિયાની આકરી ટીકા કરી હોય. એવું લાગે છે કે ઇંગ્લેન્ડ સામેનો ભારતીય ટીમનો પરાજય ભારતીય ચાહકોએ તો પચાવ્યો છે પણ પાકિસ્તાની મીડિયા અને પાકિસ્તાનના માજી ક્રિકેટરોને એ પરાજય પચ્યો નથી લાગતો.
પાકિસ્તાનના માજી દિગ્ગજ ઝડપી બોલર વકાર યુનુસને આ મામલે એટલી અકળામણ થઇ કે તેણે ટિ્વટર પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરીને ભારતીય ટીમની સ્પોર્ટસમેન સ્પિરીટ પર સવાલો ઉઠાવ્યા છે.પાકિસ્તાની માજી ઝડપી બોલર વકારે ટિ્વટ કર્યું હતું કે એનો કોઇ મતલબ નથી કે તમે કોણ છો, તમે જીવનમાં શું કરો છો તેનાથી એ ખબર પડે છે કે તમે કોણ છો. મને એની ચિંતા નથી કે પાકિસ્તાન સેમી ફાઇનલમાં પહોંચશે કે નહીં, પણ એક વાત પાકી થઇ ગઇ છે કે કેટલાક ચેમ્પિયન્સની રમતની સ્પિરીટની પરીક્ષા લેવામાં આવી અને તેમાં તેઓ ખરાબ રીતે નિષ્ફળ ગયા છે.
તેના સિવાય પાકિસ્તાનના વરિષ્ઠ પત્રકાર હામિદ મીરે પણ ભારતીય ટીમના આ પરાજય અંગે સવાલો ઉઠાવીને ટિ્વટ કર્યું હતું કે મેં બાસિત અલીએ કરેલા દાવાને વધુ મહત્વ નથી આપ્યું પણ સિકંદર બખ્તના વિચારને ધ્યાનથી સાંભળ્યા છે. તેણે બે દિવસ પહેલા ભવિષ્યવાણી કરી હતી કે ભારત જાણીજોઇને ઇંગ્લેન્ડ સામે હારશે કે જેથી પાકિસ્તાન સેમી ફાઇનલની રેસમાંથી આઉટ થઇ જાય અને તે સાચી સાબિત થઇ.