શનિવારે અહીં રમાયેલી વર્લ્ડ કપ પહેલાની વોર્મ અપ મેચમાં ઓસ્ટ્રેલિયાઍ સ્મીથની સદી પછી બોલરોની નિયંત્રીત બોલિંગને કારણે ઇંગ્લેન્ડને 12 રને હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાઍ પહેલા બેટિંગ કરીને સ્મીથની સદી ઉપરાંત વોર્નરની 43 રનની ઇનિંગની મદદથી 9 વિકેટે 297 રન કર્યા હતા, જેની સામે ઇંગ્લેન્ડની ટીમ 49.3 ઓવરમાં 285 રને તંબુભેગી થઇ હતી.
ઓસ્ટ્રેલિયાની શરૂઆત ખરાબ રહી અને ફિન્ચ માત્ર 14 રન કરીને આઉટ થયો હતો, જો કે તે પછી વોર્નરે શોન માર્શ સાથે મળીને અર્ધશતકીય ભાગીદારી કરી હતી. વોર્નર 43 રન કરીને જ્યારે માર્શ 30 રન કરીને આઉટ થયા પછી સ્મીથે 116 રનની ઇનિંગ રમી હતી. આ ઉપરાંત ઉસ્માન ખ્વાજાઍ 31 અને ઍલેક્સ કેરીઍ 30 રન કરતાં ઓસ્ટ્રેલિયા 297 રન સુધી પહોંચ્યું હતું.
લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમ વતી જેસન રોય 32 જ્યારે જાની બેયરસ્ટો 12 રન કરીને આઉટ થયા હતા. તે પછી જેમ્સ વિન્સેઍ 64 રનની ઇનિંગ રમી હતી. જ્યારે કેપ્ટન જોસ બટલરે 52 રન કર્યા હતા. તે પછી ક્રિસ વોક્સે 40 રનની ઇનિંગ રમી પણ તેઓ અંતે વિજયથી 12 રન છેટા રહી ગયા હતા. ઓસ્ટ્રેલિયા વતી જેસન બેહરનડોર્ફ અને કેન રિચર્ડસનને 2-2 જ્યારે નાથન કુલ્ટર નાઇલ, ઍડમ ઝમ્પા, નાથન લિયોન અને માર્કસ સ્ટોઇનીસે 1-1 વિકેટ ઉપાડી હતી.